ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇરાન દ્વારા કરવામાં આવેલા એક ભયાનક હુમલામાં એક ભારતીય નાગરિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 63 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી સ્વીકારતા ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ જણાવ્યું છે કે, આ કાર્યવાહી અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો છે.
કુવૈતમાં સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે તેઓ મૃતકના પરિવાર અને ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કુવૈતના સત્તાધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ્લા અલ-સનદે જણાવ્યું કે, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે 25 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ઘાયલોમાં ઘણાની સ્થિતિ ગંભીર છે, જેમને બ્રેઈન હેમરેજ, માથામાં ગંભીર ઈજા અને વિસ્ફોટને કારણે અંગો ગુમાવવાનો વારો આવ્યો છે. હુમલા બાદ કુવૈતે એરપોર્ટના ટર્મિનલ-1 પર થયેલા નુકસાનને જોતા તમામ એરપોર્ટ સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરી દીધી છે.













