બ્રિટનમાં સૈન્ય તાલીમ અભ્યાસ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર ત્રણ ક્રૂ સભ્યોના મોત થયા છે. આ દુર્ઘટના ડેવોન કાઉન્ટીમાં બની હતી. રોયલ નેવીના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લગભગ 4 વાગ્યા પહેલા હેલિકોપ્ટર ડેવોનના સોર્ટન વિસ્તાર નજીક એક ખેતરમાં તૂટી પડ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સૈન્ય અધિકારીઓએ તરત જ તપાસ શરૂ કરી હતી. હાલમાં હેલિકોપ્ટર ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
રોયલ નેવીએ વ્યક્ત કર્યો શોક
ગ્વિન જેન્કિન્સએ નિવેદન જાહેર કરીને આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે રોયલ નેવીનું Merlin Mk4 Helicopter ડેવોન નજીક અકસ્માતગ્રસ્ત થયું હતું, જેમાં ત્રણ ક્રૂ સભ્યોના જીવ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને તપાસના તારણો સામે આવ્યા બાદ માહિતી જાહેર કરવામાં આવશે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પણ મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.
Merlin Mk4 હેલિકોપ્ટર કેમ ખાસ છે?
Merlin Mk4 હેલિકોપ્ટર રોયલ નેવીના સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી હેલિકોપ્ટરોમાંનું એક માનવામાં આવે છે. તેને સંચાલિત કરવા માટે સામાન્ય રીતે ચાર ક્રૂ સભ્યોની જરૂર પડે છે અને તે લગભગ 24 સૈનિકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યત્વે દરિયામાં દુશ્મનની સબમરીન સામે કામગીરી, સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સૈન્ય સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ કારણે તેને બ્રિટિશ નૌસેનાની મહત્વપૂર્ણ સંપત્તિ માનવામાં આવે છે.
કિયર સ્ટાર્મરે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
કિયર સ્ટાર્મરે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને "અત્યંત દુઃખદ" ગણાવી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. હાલ તમામની નજર તપાસ રિપોર્ટ પર છે, કારણ કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ દુર્ઘટના ટેકનિકલ ખામી, ખરાબ હવામાન કે અન્ય કોઈ કારણસર સર્જાઈ હતી.
આ પણ વાંચો : Iran Attacked On Kuwait: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલામાં એક ભારતીયનું મોત, 60થી વધુ ઘાયલ