ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં મિસાઇલ અને ડ્રોનના હુમલાઓથી તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ નવી સૈન્ય કાર્યવાહી બાદ ખાડી દેશોમાં યુદ્ધનો ખતરો અત્યંત ગંભીર બની ગયો છે. તણાવની શરૂઆત ઈરાનના કેશ્મ (Qeshm) દ્વીપસમૂહમાં થયેલા વિસ્ફોટોથી થઈ હતી.
કેશ્મ દ્વીપના દક્ષિણ કિનારે આવેલા મસાન ગામ નજીક જોરદાર વિસ્ફોટો થયા હતા
ઈરાની સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, કેશ્મ દ્વીપના દક્ષિણ કિનારે આવેલા મસાન ગામ નજીક જોરદાર વિસ્ફોટો થયા હતા. બાદમાં અમેરિકી સેનાએ પુષ્ટિ કરી હતી કે આત્મરક્ષાના ભાગરૂપે તેમણે ઈરાનના આ દ્વીપ પર આવેલા એક સૈન્ય ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)નું કહેવું છે કે પ્રાદેશિક નાગરિકો અને સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે આ પગલું જરૂરી હતું.
કુવૈતની સેનાએ વિસ્ફોટોની પુષ્ટિ કરી
કુવૈત સેનાના જનરલ સ્ટાફે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે લોકો દ્વારા સાંભળવામાં આવેલા વિસ્ફોટોના અવાજો હકીકતમાં એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દુશ્મનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવાના કારણે થયા હતા. સેનાએ સ્પષ્ટ કર્યું કે તેમનું હવાઈ રક્ષણ તંત્ર સંપૂર્ણપણે સક્રિય છે અને દરેક હુમલાનો કડક જવાબ આપી રહ્યું છે.
લડાઈ કેમ ફરી થઇ?
ઈરાને આ સમગ્ર સંઘર્ષ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. IRGCનો દાવો છે કે અમેરિકાએ કેશ્મ દ્વીપ પર આવેલા તેમના સંચાર ટાવરને નિશાન બનાવ્યો હતો. તેના જવાબમાં ઈરાને અમેરિકી નૌકાદળના પાંચમા ફ્લીટ (5th Fleet)ના મુખ્યાલય અને એક અમેરિકી એરબેઝ પર હુમલો કર્યો હતો.
ઈરાને વધુમાં દાવો કર્યો કે આ પહેલાં અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક એક ઈરાની ટેન્કર પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાની નૌકાદળના જહાજે ‘પાનાયા’ (Panaya) નામના જહાજને નિશાન બનાવ્યું હતું. ઈરાને ચેતવણી આપી છે કે હોર્મુઝ જળમાર્ગમાં કોઈપણ અમેરિકી હસ્તક્ષેપના પરિણામો અત્યંત ભયાનક સાબિત થશે.
ઈરાનનો વળતો પ્રહાર: “હિટ એન્ડ રનનો સમય પૂરો”
અમેરિકાની કાર્યવાહી બાદ ઈરાનની ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC)એ કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર એકસાથે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. ઈરાને કડક ચેતવણી આપતાં જણાવ્યું કે હવે “હિટ એન્ડ રનનો સમય સમાપ્ત થઈ ગયો છે” અને કોઈપણ હુમલાનો જવાબ તમામ મર્યાદાઓને પાર કરીને આપવામાં આવશે.
આ ઉપરાંત ઈરાની વાયુસેનાએ ઈરાકના કુર્દિસ્તાન પ્રદેશના એર્બિલ (Erbil) શહેરમાં આવેલા અમેરિકી સમર્થક કુર્દ લડવૈયાઓના ઠેકાણાઓ પર પણ હવાઈ હુમલા કર્યા હોવાનું જણાવાયું છે.