બાળકોને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના વધતા જોખમોથી સુરક્ષિત રાખવા માટે કેનેડા સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે એક નવો કાયદો રજૂ કર્યો છે, જેના હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવું પ્રતિબંધિત કરવામાં આવશે. 


કેનેડાએ બાળકો માટે લીધા કડક પગલાં

સરકારનું માનવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર બાળકોને હાનિકારક સામગ્રી, સાયબર બુલિંગ અને શોષણ જેવા જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે કડક નિયમોની જરૂરિયાત ઉભી થઈ છે.કેનેડાના સંસ્કૃતિ મંત્રી માર્ક મિલરે જણાવ્યું કે સમાજ અત્યાર સુધી બાળકોની ડિજિટલ સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો છે અને હવે કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ બનાવવું સરકારની પ્રાથમિકતા છે.

16 વર્ષથી નાના બાળકો માટે બેન

પ્રસ્તાવિત કાયદા મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ સાબિત કરવું પડશે કે તેમનું પ્લેટફોર્મ બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કંપનીઓ જરૂરી સુરક્ષા ધોરણો પૂર્ણ નહીં કરે તો તેઓને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વપરાશકર્તાઓની ઉંમર ચકાસવા માટે એજ વેરિફિકેશન સિસ્ટમ પણ ફરજિયાત બનાવાશે. આ કાયદામાં સાત પ્રકારની હાનિકારક ઓનલાઈન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સ્વ-નુકસાન માટે ઉશ્કેરતી સામગ્રી, હિંસા પ્રોત્સાહિત કરતી પોસ્ટ્સ, નફરત ફેલાવતી માહિતી અને કોઈની મંજૂરી વગર ખાનગી અથવા ઘનિષ્ઠ તસવીરો શેર કરવાનું સામેલ છે.

આ સંસ્થા રાખશે કાયદાના પાલન પર નજર 

આ નિયમોને અમલમાં મૂકવા માટે કેનેડા સરકાર “ડિજિટલ સેફ્ટી કમિશન ઓફ કેનેડા” નામની નવી સંસ્થા બનાવશે. આ સંસ્થા સોશિયલ મીડિયા કંપનીઓ માટે સુરક્ષા ધોરણો નક્કી કરશે અને કાયદાના પાલન પર નજર રાખશે. સરકારના જણાવ્યા અનુસાર આ સંસ્થા સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી શકે છે. નવા કાયદામાં AI ચેટબોટ્સ બનાવતી કંપનીઓને પણ સામેલ કરવામાં આવી છે. આવી કંપનીઓને જવાબદારીપૂર્વક કાર્ય કરવું ફરજિયાત રહેશે અને કટોકટી દરમિયાનગીરી જેવા સુરક્ષા પગલાં અમલમાં મૂકવા પડશે.

કેનેડા પહેલા આ દેશોએ લગાવી છે વય મર્યાદા

કેનેડા પહેલા ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ પણ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર વય મર્યાદા લગાવી છે. ઓસ્ટ્રેલિયામાં આવા નિયમો લાગુ થયા બાદ લગભગ 4.7 મિલિયન બાળકોના એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા હતા. હવે કેનેડા પણ ઓસ્ટ્રેલિયાના અનુભવમાંથી શીખીને પોતાના નિયમોને વધુ મજબૂત બનાવવાની તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ મહાયુદ્ધના એંધાણ! અમેરિકાના હુમલા બાદ ઇરાન ધુંઆપુંઆ, બહેરીન-કુવૈત પર કર્યા ધડાધડ હુમલા

  • Follow us on: