પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે સીધા લશ્કરી મુકાબલામાં ફેરવાઈ ગયો છે. અમેરિકા દ્વારા તાજેતરમાં ઈરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલાના જવાબમાં, ઈરાને જોરદાર પલટવાર કર્યો છે. ઈરાનનો દાવો છે કે તેણે બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો (US Military Bases) ને નિશાન બનાવીને મોટા હુમલા કર્યા છે. આટલું જ નહીં, વૈશ્વિક સ્તરે વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) માંથી પસાર થઈ રહેલા બે ઓઈલ ટેન્કરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ: વૈશ્વિક ઓઈલ સપ્લાય ખોરવાવાની આશંકા
આ હિંસક ઘટનાઓ બાદ, ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટને "આગામી આદેશો સુધી" તમામ પ્રકારના દરિયાઈ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. IRGC ના મતે, ગેરકાયદેસર રીતે આ માર્ગનો ઉપયોગ કરનારા ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા છે અને હવે અહીંથી પસાર થતા તમામ જહાજો પર આની ગંભીર અસર પડશે.










