સાવધાન! આજથી આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત 11 રાજ્યો માટે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આ બદલાવ થોડી રાહત લાવી શકે છે, પરંતુ સાથે જ આંધીઓ અને વીજળીના કારણે મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે.
11 રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા વિસ્તારોમાં 11 અને 12 જૂન દરમિયાન વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધીઓ ફૂંકાઈ શકે છે.
રાજસ્થાનમાં માટે ખાસ ચેતવણી અપાઇ
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવે હવામાનમાં બદલાવને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 13 થી 15 જૂન દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. રાજસ્થાન માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં 11 થી 16 જૂન દરમિયાન વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. હરિયાણા અને ચંદીગઢમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પહાડી વિસ્તારોમાં હવામાન રહેશે ખરાબ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 11-12 જૂન અને 13 થી 16 જૂન દરમિયાન વરસાદની આગાહી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 12 થી 14 જૂન વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને બિહાર, ઝારખંડ તથા છત્તીસગઢ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ખરાબ હવામાન દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
આ પણ વાંચોઃ Indian Railways : ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે 'ફાયર સેફ્ટી ઓડિટ