અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે એક એવો ચોંકાવનારો આદેશ જાહેર કર્યો છે, જેણે ત્યાંના સરકારી કર્મચારીઓની રોજિંદી જિંદગી અને કામ કરવાની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) હિબતુલ્લાહ અખુંદઝાદાના ફરમાન બાદ હવે અફઘાનિસ્તાનના સરકારી કર્મચારીઓ માટે સ્માર્ટફોનનો ઉપયોગ ગુનો બની ગયો છે. તમામ કર્મચારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ સ્માર્ટફોન વાપરતા પકડાશે તો તેમની નોકરી તો જશે જ, સાથે જ તેમની સામે આકરી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.


17 જૂનથી નવો નિયમ લાગુ

એએફપી (AFP) ના અહેવાલ મુજબ, ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર તાલિબાન સરકારનો એક સત્તાવાર પત્ર વાયરલ થયો હતો, જેના પર અફઘાનિસ્તાનની સુપ્રીમ કોર્ટનો પ્રતીક સિક્કો હતો. આ પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, "તમામ પ્રાંતોના વિભાગીય વડાઓને સૂચિત કરવામાં આવે છે કે 17 જૂનથી તમામ નાના-મોટા કર્મચારીઓ માટે સ્માર્ટફોનનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે." આ આદેશ દેશના તમામ સૈન્ય (મિલિટરી) અને સિવિલ વિભાગોના કર્મચારીઓને સરખી રીતે લાગુ પડે છે. આ નિયમમાંથી મુક્તિ માત્ર સુપ્રીમ લીડરની ખાસ પરવાનગીથી જ મળી શકશે.

લશ્કરી અને નાગરિક બંને વિભાગો પર કડક નજર

તાલિબાનનો આ નવો આદેશ કોઈ એક વિભાગ પૂરતો મર્યાદિત નથી. વહીવટી તંત્રના ટોચના અધિકારીઓથી લઈને સામાન્ય ક્લાર્ક અને સુરક્ષા દળોના જવાનો સુધી તમામે આ આદેશનું પાલન કરવું પડશે. તાલિબાની વહીવટીતંત્રે દરેક સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની પણ યોજના બનાવી છે, જેથી કોઈ કર્મચારી છૂપી રીતે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરી શકે.

નિયમ તોડ્યો તો નોકરી ગુમાવવી પડશે અને 6મહિનાની જેલ

આ કાયદો માત્ર કાગળ પર નથી, પરંતુ તેનો ભંગ કરનાર માટે અત્યંત આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. જે પણ કર્મચારી સ્માર્ટફોન સાથે પકડાશે તેની તાત્કાલિક અસરથી નોકરી સમાપ્ત કરી દેવામાં આવશે. આ ઉપરાંત, અફઘાનિસ્તાનના અંતરિયાળ વિસ્તાર ગણાતા બદખ્શાન પ્રાંતના માહિતી વિભાગના કર્મચારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જો કોઈ કર્મચારી આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની ધરપકડ કરીને 6 મહિના સુધીની જેલની સજા પણ ભોગવવી પડી શકે છે.

સરકારી કામકાજ ઠપ થવાની કર્મચારીઓમાં ચિંતા

આજના આધુનિક યુગમાં જ્યારે વિશ્વભરની સરકારી કચેરીઓ ડિજિટલ થઈ રહી છે, ત્યારે સ્માર્ટફોન વગર કામ કરવું અફઘાનિસ્તાનના કર્મચારીઓ માટે અશક્ય જેવું બન્યું છે. શિક્ષકો, પ્રોફેસરો અને વહીવટી કર્મચારીઓનું કહેવું છે કે અત્યાર સુધી તેમનું મોટાભાગનું ઓફિશિયલ કામ વ્હોટ્સએપ (WhatsApp), ઈમેઈલ અને વિવિધ એઆઈ (AI) ટુલ્સ દ્વારા ઝડપથી થતું હતું. સ્માર્ટફોન બંધ થઈ જવાથી હવે ઓફિસના રોજિંદા વહીવટમાં ભારે અવરોધ ઊભો થશે અને આખી સિસ્ટમ દાયકાઓ પાછળ ધકેલાઈ જશે.

તાલિબાનના ડરથી કર્મચારીઓએ ફોન સ્વિચ ઓફ કર્યા

આ આકરા કાયદાની જાહેરાત થતાં જ અફઘાનિસ્તાનના તમામ નાગરિક અને લશ્કરી વિભાગોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોતાની આજીવિકા બચાવવા અને જેલના સળિયા પાછળ જતા બચવા માટે કર્મચારીઓ પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. બુધવારથી જ મોટાભાગના કર્મચારીઓએ ઓફિસ સમય દરમિયાન પોતાના ફોન સ્વિચ ઓફ રાખવાનું અથવા ઘેર જ મૂકીને આવવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો:Saudi Arabiaના વર્ક વિઝા નિયમોમાં મોટો ફેરફાર,ભારતીય કામદારો પર શું થશે અસર? જાણો વિગત

  • Follow us on: