સૌદી અરેબિયામાં નોકરી કરવા ઈચ્છતા વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીય કામદારો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. સૌદી અરેબિયાના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયના ‘કિવા’ (Qiwa) પ્લેટફોર્મ દ્વારા વર્ક પરમિટ અને વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અંતર્ગત નવી શરૂ થયેલી કંપનીઓ માટે તાત્કાલિક મળતા (ઇન્સ્ટન્ટ) વર્ક વિઝાની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે.


નવી કંપનીઓ માટે વિઝા મર્યાદા ઘટી

‘Qiwa’ પ્લેટફોર્મની જાહેરાત અનુસાર, જે કંપનીઓ અથવા સ્ટાર્ટઅપ્સ 2 વર્ષ કરતાં ઓછા સમયથી કાર્યરત છે, તેઓ હવે વધુમાં વધુ માત્ર 5 ઇન્સ્ટન્ટ વિઝા મેળવવા માટે જ પાત્ર રહેશે. જ્યારે 2 વર્ષથી વધુ જૂની કંપનીઓ માટે આ મર્યાદા 50 વિઝા સુધી રાખવામાં આવી છે. જૂની કંપનીઓ આ વિઝા માટે એકસાથે અથવા એક જ અઠવાડિયામાં વારંવાર અરજી કરી શકે છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને લેબર માર્કેટના નિયમોનું ચુસ્ત પાલન કરાવવાનો છે.

કર્મચારીઓ માટે આ 10 શરતોનું પાલન ફરજિયાત

વિદેશી કર્મચારીઓની ભરતી કરવા માટે ‘Qiwa’ પ્લેટફોર્મે 10 કડક શરતો જાહેર કરી છે. જેમાંથી મુખ્ય શરતો નીચે મુજબ છે:

બિઝનેસનું સ્ટેટસ ‘એક્ટિવ’ હોવું જોઈએ અને વેલિડ કોમર્શિયલ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

કંપનીએ ‘મીડિયમ ગ્રીન’ કે તેથી ઉપરની કેટેગરીમાં રહીને 'સૌદીકરણ' (Saudisation) ના નિયમો પૂરા કરવા પડશે.

‘વેજ પ્રોટેક્શન સિસ્ટમ’ (પગાર સુરક્ષા પ્રણાલી) નું પાલન કરવું અનિવાર્ય રહેશે.

‘અબ્શેર’ (Absher) અથવા ‘મુકીમ’ (Muqeem) જેવા સરકારી પોર્ટલ પર પૂરતું બેલેન્સ હોવું જોઈએ.

10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ માટે વાર્ષિક ‘સેલ્ફ-એસેસમેન્ટ’ કરવું પડશે.

કર્મચારીઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વર્કપ્લેસનું રજીસ્ટ્રેશન ‘Qiwa’ પર થયેલું હોવું જોઈએ.

ભારતીય કામદારો પર શું અસર થશે?

સૌદી અરેબિયામાં વિદેશી કામદારોમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. નવી કંપનીઓ માટે વિઝા મર્યાદિત થવાને કારણે, જે ભારતીય પ્રોફેશનલ્સ ત્યાંના સ્ટાર્ટઅપ્સ કે નવી કંપનીઓમાં જોડાવા માંગે છે તેમની ભરતી પ્રક્રિયા ધીમી થઈ શકે છે. નિષ્ણાતોના મતે, હવે ભારતીય પ્રોફેશનલ્સ નવી કંપનીઓને બદલે 2 વર્ષથી વધુ જૂની અને સ્થાપિત કંપનીઓમાં નોકરી મેળવવાનું વધુ પસંદ કરશે, કારણ કે આ કંપનીઓ પાસે વિઝા કોટા વધુ (50 સુધી) ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો:Strait of Hormuz: શું 60 દિવસ જ ટોલ ફ્રી રહેશે હોર્મુઝ? બાદમાં વસૂલાશે ટોલ ટેક્સ!

  • Follow us on: