વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) નો જળમાર્ગ આખરે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે એક હંગામી કરાર પર હસ્તાક્ષર થયા બાદ આ મોટો નિર્ણય લેવાયો છે. કરાર મુજબ, પહેલા અમેરિકી સેનાએ ઓમાનની ખાડીમાંથી પોતાની નાકાબંધી હટાવી લીધી છે અને ત્યારબાદ ઈરાને પણ આ રૂટ પરથી વ્યાપારી જહાજોને પસાર થવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જો કે, નાકાબંધી હટ્યા પછી પણ આ રસ્તે જહાજોની અવરજવર અત્યારે ખૂબ જ ધીમી છે, કારણ કે સુરક્ષાના કારણોસર જહાજના માલિકો કોઈ મોટું જોખમ ઉઠાવવા માંગતા નથી.
પહેલા દિવસે માત્ર 25 જહાજો પસાર થયા
ખુફિયા શિપિંગ ડેટા આપતી સંસ્થા 'Kpler' ના જણાવ્યા અનુસાર, હોર્મુઝનો માર્ગ ખુલ્યા પછીના પ્રથમ ૨૪ કલાકમાં માત્ર 25 જહાજો અથવા ઓઇલ ટેન્કરો જ અહીંથી પસાર થયા છે, જેમાં ૩ ટેન્કર સાઉદી અરેબિયાના હતા. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, યુદ્ધ શરૂ થયું તે પહેલા આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગેથી દરરોજ 100 થી 130 જહાજો પસાર થતા હતા. યુદ્ધ દરમિયાન આ ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને માત્ર થોડા જ ઓઈલ ટેન્કરો ચોરીછૂપીથી નીકળ્યા હતા.
નિષ્ણાતોના મતે, આ માર્ગ ખુલ્યા પછી પણ ટ્રાફિક સામાન્ય ન થવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે:
દરિયાઈ સુરંગો
હોર્મુઝ જળડમરુમધ્યની નીચે હજુ પણ ડઝનબંધ જીવંત દરિયાઈ સુરંગો (માઈન્સ) મોજૂદ છે. પેન્ટાગોનનું માનવું છે કે અહીં દર એક મીટર પર એક કિલો બારુદ બિછાવેલો છે. આ બારુદ ક્યાં અને કેવી રીતે ગોઠવવામાં આવ્યો છે તેની ચોક્કસ માહિતી માત્ર ઈરાન પાસે જ છે. જ્યાં સુધી આ માઈન્સ સંપૂર્ણપણે હટાવી ન લેવાય, ત્યાં સુધી જહાજ માલિકો મોટું જોખમ લેતા ડરી રહ્યા છે.
ટોલ ટેક્સનો વિવાદ:
હોર્મુઝમાંથી પસાર થવા માટેના ટોલ ટેક્સ અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે આ અંગે પૂછાયેલા પ્રશ્ન પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી, જ્યારે બીજી તરફ ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી મોટો ટોલ ટેક્સ વસૂલવાની જીદ પર અડગ છે.
દુનિયા અને ભારત માટે કેમ મહત્વનો છે આ રૂટ?
ઓમાન અને ફારસની ખાડી વચ્ચે આવેલો આ માત્ર 34 કિલોમીટર પહોળો જળમાર્ગ દુનિયામાં તેલ અને ગેસના સપ્લાયની લાઈફલાઈન છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઈલના પૂરવઠાનો આશરે 20 ટકા હિસ્સો આ જ માર્ગેથી પસાર થાય છે. ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર જેવા ખાડી દેશો આ માર્ગેથી જ પોતાના તેલની નિકાસ કરે છે, જ્યારે ભારત અને ચીન જેવા મોટા દેશો પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ જ રસ્તેથી આયાત કરે છે. તેથી આ રૂટ સામાન્ય થવો ભારત માટે રાહતના સમાચાર છે.
આ પણ વાંચો: Gujarat Latest News Live : સાંજે 4 વાગ્યા સુધી 9 જિલ્લામાં વરસાદની આગાહી