વૈશ્વિક સ્તરે વિકાસ કાર્યો, બજેટ ખાધને પહોંચી વળવા કે આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે દેશો અન્ય દેશો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લેતા હોય છે. પરંતુ જો કોઈ દેશ આ કરજ ચૂકવવામાં નિષ્ફળ જાય તો શું થાય? ઘણા લોકોના મનમાં એવો ડર કે સવાલ હોય છે કે લોન આપનારો દેશ દેવાળિયા દેશની જમીન કે સરહદ પર સૈન્ય કબજો કરી શકે છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. આધુનિક આંતરરાષ્ટ્રીય કાયદો (International Law) આવી કોઈ પણ સૈન્ય કાર્યવાહીની મંજૂરી આપતો નથી.
સૈન્ય કબજો અશક્ય અને ગેરકાનૂની
વર્તમાન આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના સિદ્ધાંતો અનુસાર, લોન વસૂલાત માટે કોઈ દેશ અન્ય સાર્વભૌમ દેશ પર હુમલો કરી શકતો નથી કે તેને પોતાના દેશમાં ભેળવી શકતો નથી. વૈશ્વિક કરારો હેઠળ દરેક દેશની સાર્વભૌમત્વ સુરક્ષિત છે. જ્યારે કોઈ સરકાર વિદેશી દેવું ચૂકવવામાં અસમર્થ બને છે, ત્યારે તેને આર્થિક ભાષામાં 'સોવરેન ડિફોલ્ટ' (Sovereign Default) કહેવામાં આવે છે.
સંપત્તિઓ લીઝ પર આપવાની ફરજ
જો કે, સૈન્ય કબજો ભલે ન થઈ શકે, પરંતુ લોન આપનારા શક્તિશાળી દેશો નાણાકીય દબાણ લાવીને મહત્વની સરકારી સંપત્તિઓ લાંબા સમય માટે લીઝ પર પડાવી શકે છે. આનું સૌથી મોટું ઉદાહરણ શ્રીલંકાનું હંબનટોટા પોર્ટ (Hambantota Port) છે. આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ ચીનનું દેવું મેનેજ કરવા માટે આ વ્યૂહાત્મક બંદરને ૯૯ વર્ષ માટે ચીનને લીઝ પર આપવું પડ્યું હતું. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા ડિફોલ્ટ કરનાર દેશની વિદેશમાં રહેલી સંપત્તિઓ જેમ કે સરકારી વિમાનો કે વિદેશી બેંક ખાતાઓ પણ જપ્ત થઈ શકે છે.
સાખને મોટું નુકસાન અને વૈશ્વિક બહિષ્કાર
સોવરેન ડિફોલ્ટ થવાથી વૈશ્વિક નાણાકીય બજારમાં દેશની ક્રેડિટ રેટિંગ ઘટીને 'જંક સ્ટેટસ' પર આવી જાય છે. પરિણામે, અન્ય દેશો કે ખાનગી રોકાણકારો ભવિષ્યમાં નવું કરજ આપતા અચકાય છે. જો લોન મળે તો પણ તેના પર વ્યાજનો દર ખૂબ જ ઊંચો ચૂકવવો પડે છે.
દેશો આ કટોકટીમાંથી કેવી રીતે બહાર આવે છે?
આવી સ્થિતિમાં દેશનું અસ્તિત્વ ખતમ નથી થતું, પરંતુ સરકારે લોન આપનારાઓ સાથે બેસીને ડેટ રિસ્ટ્રક્ચરિંગ (દેવાની પુનઃરચના) માટે વાટાઘાટો કરવી પડે છે. આ સમયે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જેવી સંસ્થાઓ 'બેલઆઉટ પેકેજ' આપીને મદદ કરે છે. જો કે, આ મદદના બદલામાં દેવાળિયા દેશે પોતાના દેશમાં આકરા આર્થિક સુધારા કરવા, સબસિડી ઘટાડવી, ટેક્સ વધારવો અને સરકારી ખર્ચમાં મોટો કાપ મૂકવો જેવી કડક શરતોનું પાલન કરવું પડે છે.
આ પણ વાંચો:Tokyo કેવી રીતે બન્યું વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર? આગ લાગતા જ મિનિટોમાં ખેલ ખતમ!