હાલમાં જ ભારતના બે મોટા શહેરોમાં લાગેલી આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દિલ્હીના માલવીય નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં ૨૨ લોકોના મોત થયા, જ્યારે લખનઉના એક એનિમેશન સેન્ટરમાં અગ્નિકાંડના કારણે 15 બાળકોએ જીવ ગુમાવ્યા. ભારતમાં દર વર્ષે આવી સેંકડો ઘટનાઓ બને છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું શહેર પણ છે જે આગની ઘટનાઓ સામે લડવામાં નંબર વન ગણાય છે? આ શહેર છે જાપાનનું પાટનગર ટોક્યો. ટોક્યોને વૈશ્વિક સ્તરે સૌથી શ્રેષ્ઠ 'ફાયર-સેફ' (અગ્નિ-સુરક્ષિત) શહેર માનવામાં આવે છે.

ભૂતકાળની નુકસાનીમાંથી લીધો મોટો પાઠ

ટોક્યો હંમેશાં આવું સુરક્ષિત નહોતું. જાપાનમાં પરંપરાગત રીતે લાકડાના મકાનો વધુ બને છે. ૧૯૨૩ના ભયાનક ભૂકંપ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલી બોમ્બમારોમાં લાગેલી આગે આખા ટોક્યોને રાખ કરી દીધું હતું. આ વિનાશમાંથી પાઠ લઈને જાપાને નક્કી કર્યું કે શહેરની ડિઝાઈન એવી હોવી જોઈએ જ્યાં આગ ક્યારેય ફેલાઈ જ ન શકે. તેમણે 'આગથી સુરક્ષા'ને શહેરી વિકાસનો મુખ્ય મુદ્દો બનાવ્યો.

દુનિયાનું સૌથી મોટું ફાયર ડિપાર્ટમેન્ટ

ટોક્યો ફાયર ડિપાર્ટમેન્ટ (TFD) કદ, ક્ષમતા અને આધુનિક ટેક્નોલોજીની દ્રષ્ટિએ વિશ્વમાં અજોડ છે:

કર્મચારીઓ: આ વિભાગમાં 18,839 કર્મચારીઓ કાર્યરત છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

નેટવર્ક: સમગ્ર શહેરમાં 81 મુખ્ય ફાયર સ્ટેશન આવેલા છે.

વાહનો અને સંસાધનો: તેમની પાસે 673 ફાયર એન્જિન, 91 સીડી વાહનો,393 એમ્બ્યુલન્સ, 50 રેસ્ક્યૂ વાહનો, 9 વોટરક્રાફ્ટ અને 7 સ્પેશિયલ એરક્રાફ્ટ છે.

વાર્ષિક બજેટ: આ ડિપાર્ટમેન્ટનું વાર્ષિક બજેટ અંદાજે રૂપિયા 1,500 કરોડ છે.

તેની સરખામણીમાં ભારતની વાત કરીએ તો, કેન્દ્ર સરકારે 2021-22 થી 20-25-26 સુધીના ગાળા માટે તમામ રાજ્યોની ફાયર સર્વિસના આધુનિકીકરણ માટે કુલ ૫5,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જ્યારે દિલ્હી ફાયર સર્વિસનું વર્ષ 2025-26નું બજેટ માત્ર 125 કરોડ રૂપિયા હતું.

આગને રોકતી અદભુત ઇમારતોની 'દિવાલ'

ટોક્યોની અસલી તાકાત તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. શહેરમાં આગને આગળ વધતી અટકાવવા માટે ફાયરપ્રૂફ ઈમારતોની આખી શૃંખલા બનાવવામાં આવી છે. આનું સૌથી મોટું ઉદાહરણ 'હિગાશી-શિરાહિગે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ' છે. આ 1.2 કિલોમીટર લાંબી અને 18 માળની ઈમારતોની એવી લાઈન છે, જે જૂના લાકડાના વિસ્તારો અને આધુનિક શહેર વચ્ચે એક વિશાળ ફાયર વોલ (અગ્નિ અવરોધક) તરીકે કામ કરે છે. આ ઉપરાંત, શહેરમાં ડિઝાસ્ટર પાર્ક બનાવવામાં આવ્યા છે, જ્યાં ઈમરજન્સીમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વોટર પાઈપો અને હાઈડ્રન્ટ્સ છુપાયેલા હોય છે.

આગને મોટી થવા જ ન દેવી

ટોક્યોમાં વર્ષે અંદાજે 4,300 આગની ઘટનાઓ બને છે, એટલે કે રોજની સરેરાશ 1`2 ઘટનાઓ. છતાં ત્યાં ક્યારેય મોટી દુર્ઘટના સર્જાતી નથી. ત્યાં આગ લાગતા જ સરેરાશ બળતો વિસ્તાર માત્ર 4 ચોરસ મીટર (એક નાનો ઓરડો) જેટલો જ હોય છે અને મિનિટોમાં તેને કાબૂમાં લેવાય છે. તેમનો સિદ્ધાંત 'મોટી આગ બુઝાવવાનો' નથી, પણ 'આગને મોટી થવા જ ન દેવાનો' છે.

ટોક્યો ઉપરાંત સિંગાપોર, ન્યૂયોર્ક અને સિઓલ જેવા શહેરો પણ ફાયર સેફ્ટીમાં આગળ છે. ભારતમાં મુંબઈ પાસે સૌથી સક્ષમ ફાયર નેટવર્ક છે, પરંતુ હજી આપણે ટોક્યો જેવા વૈશ્વિક સ્તરે પહોંચવા માટે લાંબી મજલ કાપવી પડશે.

આ પણ વાંચો:Pakistan: સિંધુ નદીના પાણી પર હક જતાવવા પાકિસ્તાને કોનો લીધો સહારો?