પાકિસ્તાન અત્યાર સુધી પોતાના દેશના વિદ્યાર્થીઓને એવું ભણાવતું આવ્યું છે કે તેનો ઇતિહાસ 712 ઇસવીસનમાં મોહમ્મદ બિન કાસિમ દ્વારા સિંધ પર મેળવેલી જીત સાથે શરૂ થયો હતો. પરંતુ હવે પાકિસ્તાને અચાનક જ હડપ્પા અને મોહેં-જો-દડો જેવી પ્રાચીન સિંધુ ખીણની સભ્યતા પર પોતાનો દાવો મજબૂત કરવાનું શરૂ કર્યું છે. પાણીની કટોકટી અને ભારત સાથેના ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે પાકિસ્તાનનો આ વૈચારિક બદલાવ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
અચાનક કેમ શરૂ થયું મોહેં-જો-દડોમાં ખોદકામ?
વર્ષ 1995માં અમેરિકન પુરાતત્વવિદ્ જોર્જ ડેલ્સના ખોદકામ બાદ ક્યારેય જે જગ્યાને અડવામાં નહોતી આવી, તે 5,000 વર્ષ જૂના મોહેં-જો-દડો શહેરમાં પાકિસ્તાને જૂન 2025માં ફરીથી ખોદકામ શરૂ કર્યું છે. આ ઘટનાક્રમ ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો તેના ગણતરીના મહિનાઓ બાદ જ શરૂ થયો છે. ભારતની આ કડક કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ગયું છે.
બિલાવલ ભુટ્ટોનો સભ્યતા અંગેનો દાવો
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારી અને સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ જેવા નેતાઓએ ભારત પર શાબ્દિક હુમલા તેજ કર્યા છે. બિલાવલ ભુટ્ટોએ મોહેં-જો-દડો અને સિંધુ ખીણની સભ્યતાનો હવાલો આપતા તર્ક આપ્યો છે કે, "પાકિસ્તાન જ સિંધુ નદી અને આ સભ્યતાનું અસલી રક્ષક (Custodian) છે." પાકિસ્તાન આ પૂર્વ-ઇસ્લામિક વારસાનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એવું સાબિત કરવા માંગે છે કે સિંધુ નદી પ્રણાલીના પાણી પર તેનો ઐતિહાસિક અને કુદરતી અધિકાર છે.
તક્ષશિલા અને ગાંધાર કલાનો પ્રચાર
સિંધુ ખીણ ઉપરાંત, પાકિસ્તાન હવે તક્ષશિલા, ગાંધારની બૌદ્ધ વિરાસત અને બલૂચિસ્તાનના નવપાષાણ યુગના સ્થળ મેહરગઢને પોતાની ઓળખ તરીકે રજૂ કરી રહ્યું છે. સરકારી દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્રી અને સેમિનારો દ્વારા આ પ્રાચીન ઇતિહાસને 'પાકિસ્તાની વિરાસત' ગણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક પાકિસ્તાની વિશ્લેષકો તો ત્યાં સુધી દાવો કરી રહ્યા છે કે "પાકિસ્તાન જ અસલી ભારત છે" અને સિંધુ નદી પાકિસ્તાન માટે ઇજિપ્તની નાઇલ નદી સમાન છે.
શું પાકિસ્તાનનો દાવો સાચો છે?
ઇતિહાસ અને ભૂગોળના નિષ્ણાતોના મતે, પાકિસ્તાનનો આ તર્ક તદ્દન ખોટો અને માત્ર રાજકીય રીતે પ્રેરિત છે. ભલે સિંધુ સભ્યતાના કેટલાક પ્રખ્યાત સ્થળો આજે પાકિસ્તાનમાં હોય, પરંતુ હડપ્પા સંસ્કૃતિના મોટાભાગના જાણીતા અને મહત્વના સ્થળો આજના ભારતમાં આવેલા છે, ખાસ કરીને ઘગ્ગર-હાકરા સિસ્ટમ (પ્રાચીન સરસ્વતી નદી) ના કિનારે.
સૌથી મહત્વની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ નદીના પાણીની વહેંચણી કરારો, વૈજ્ઞાનિક જરૂરિયાતો, ક્લાયમેટ ચેન્જ અને વર્તમાન પરિસ્થિતિના આધારે થાય છે, નહીં કે 5,000 વર્ષ જૂની સભ્યતાના દાવાઓ પર. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે આ સંધિ એકતરફી છે અને વર્તમાન વાસ્તવિકતાને દર્શાવતી નથી. પાકિસ્તાને જો પાણી જોઈતું હોય તો સભ્યતાના નાટક કરવાના બદલે પહેલા સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનું બંધ કરવું પડશે.
આ પણ વાંચો:US Green Card Price Hike: અમેરિકામાં ગ્રીન કાર્ડ અને નાગરિકતાની ફીમાં ધરખમ વધારો, ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ