દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ આગામી સમયમાં જુલાઈના ડીએ (DA) વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (CPSE)ના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મોટી જાહેરાત કરી છે. દેશમાં સતત વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કર્મચારીઓના માસિક ઘરના બજેટ પર મોંઘવારીનો બોજ ન્યૂનતમ રહે.
મોંઘવારી ભથ્થા (IDA)માં વધારો, નવા દરો જાહેર
હકીકતમાં, કેન્દ્ર સરકારના જાહેર સાહસો વિભાગ દ્વારા ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા (IDA)માં વધારો કરીને નવા દરો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી GAIL, BHEL, NTPC, IRCTC, HAL, MTNL અને RailTel જેવી મહારત્ન, નવરત્ન તેમજ મિની રત્ન કંપનીઓ સહિત કુલ 32થી વધુ CPSE કંપનીઓના અધિકારીઓ અને બિન-યુનિયન સુપરવાઇઝર્સને સીધો આર્થિક લાભ મળશે.
મોંઘવારી ભથ્થાના દરોમાં ફેરફાર કરાયા
કેન્દ્રીય જાહેર સાહસ વિભાગના નોટિફિકેશન મુજબ, અલગ-અલગ પગાર ધોરણો હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના દરોમાં ફેરફાર કરાયા છે. આ વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (AICPI)ના આંકડાઓના આધારે નક્કી કરવામાં આવ્યો છે. 1987ના પગાર ધોરણ હેઠળ આવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું સીધું ₹18,298 નક્કી કરાયું છે. જ્યારે 1997ના પગાર ધોરણ મુજબ તેને વધારીને 476.9%, 2007ના પગાર ધોરણ મુજબ વધારીને 241.7%, અને 2017ના પગાર ધોરણ મુજબ વધારીને 55.7% કરી દેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, 2017ના પગાર ધોરણ હેઠળ ₹60,000 જેટલો મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થા તરીકે દર મહિને ₹33,420 મળશે.
32થી વધુ કંપનીઓમાં મોંઘવારી ભથ્થું વધ્યું
આ કંપનીઓ અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાં ઉર્જા, તેલ અને કુદરતી ગેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલસો, વીજળી ઉત્પાદન, સ્ટીલ તેમજ નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. સરકારી ક્ષેત્રની આ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ લાંબા સમયથી આર્થિક રાહતની રાહ જોઈ રહ્યા હતા. આ નવા DA વધારાથી કર્મચારીઓના વાર્ષિક પેકેજમાં સારો એવો વધારો જોવા મળશે અને તેમને મોંઘવારીના સમયમાં મોટી રાહત પ્રાપ્ત થશે. સરકારના આ પગલાથી સરકારી સાહસો સાથે જોડાયેલા કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ USનો ઇરાન અને ઇરાક સરહદ પર મિસાઇલ હુમલો, 2 લોકોના મોત