અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 12મા દિવસે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાએ ઈરાનના શાલમચેહ સરહદ ક્રોસિંગ પર એક શક્તિશાળી મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં બે નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય અગિયાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઈરાની પોલીસ રેસ્ટ સેન્ટરની નજીક કરાયો હુમલો
આ મિસાઈલ હુમલો શાલમચેહ બોર્ડર ક્રોસિંગના પેસેન્જર ટર્મિનલ અને ઈરાની પોલીસ રેસ્ટ સેન્ટરની નજીક થયો હતો. આ સરહદ ક્રોસિંગ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંત અને ઈરાક વચ્ચે વેપાર તેમજ ધાર્મિક યાત્રાઓ માટેનો મુખ્ય અને વ્યૂહાત્મક માર્ગ છે. હુમલો થયા પછી પણ સરહદ પર સરહદી ટ્રાફિક આંશિક રીતે ચાલુ રહ્યો હતો અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખુઝેસ્તાન પ્રાંતના સુરક્ષા અને કાયદા અમલીકરણ વિભાગના નાયબ અધિકારીએ આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તસ્નીમ ન્યૂઝ અને IRIB ન્યૂઝના અહેવાલો મુજબ, અમેરિકાએ માત્ર શાલમચેહ જ નહીં, પરંતુ આહવાઝ, રામશીર અને અંદિમેષ્ક જેવા ઈરાનના અન્ય મુખ્ય શહેરોની આસપાસના વિસ્તારોમાં પણ હવાઈ હુમલા જારી રાખ્યા છે.
અમેરિકાની ઇરાનને સ્પષ્ટ ચેતવણી
આ સમગ્ર સંઘર્ષ હવે હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ પર કેન્દ્રિત થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ એ વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ નિકાસનો સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ છે, જ્યાંથી દુનિયાના કુલ તેલ અને ગેસનો આશરે પાંચમો ભાગ પસાર થાય છે. અમેરિકન સૈન્યનું એવું માનવું છે કે આ હુમલાઓ આ જળમાર્ગ પર સુરક્ષિત શિપિંગ અને વેપાર સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ અમેરિકી કે અન્ય જહાજને નિશાન બનાવશે, તો અમેરિકા કડક બદલો લેશે અને ઈરાનના પુલો તથા પાવર પ્લાન્ટ્સને નેશનનાબૂદ કરી દેશે.
યુએસ એ 37.5 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો
આ યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં મોટી ઉથલપાથલ મચી છે. હોર્મુઝ સ્ટ્રેટ પર જોખમ વધવાથી અને ક્યારેક તેના બંધ થવાની આશંકાથી સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે તેમનો દેશ હવે "આંખ બદલ આંખ" નીતિ હેઠળ વળતો જવાબ આપશે. યુએસ સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથના જણાવ્યા અનુસાર, અમેરિકાએ આ યુદ્ધ પાછળ અત્યાર સુધીમાં અંદાજે 37.5 બિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો છે. હાલની પરિસ્થિતિમાં રાજદ્વારી સ્તરે કોઈ સાર્થક પ્રગતિ જોવા મળી નથી, કારણ કે બંને પક્ષો પોતાની જીદ અને માંગણીઓ પર મક્કમ છે.
આ પણ વાંચોઃ US vs Iran War: અમેરિકાએ તૈનાત કર્યા B-1 બોમ્બર, ટ્રમ્પે ઈરાનને આપી મોટી ચેતવણી