ભારતીય ડિફેન્સ સેક્ટરની અગ્રણી કંપની ભારત ફોર્જ (Bharat Forge) એ વૈશ્વિક સંરક્ષણ બજારમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. કંપનીની સંરક્ષણ શાખા કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ (KSSL) એ અમેરિકાની દિગ્ગજ સૈન્ય વાહન નિર્માતા કંપની ‘એએમ જનરલ’ (AM General) સાથે એક વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ વૈશ્વિક ભાગીદારી હેઠળ બંને કંપનીઓ મળીને ૧૫૫mm (155mm) ની અત્યાધુનિક મોબાઈલ આર્ટિલરી ગન સિસ્ટમ (તોપ) વિકસાવશે, જે દુર્ગમ વિસ્તારો અને ગમે તેવા ખરાબ હવામાનમાં પણ સચોટ નિશાન સાધવામાં સક્ષમ હશે. આ ડીલના સમાચાર આવતા જ શેરબજારમાં સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.


પેરિસ ડિફેન્સ એક્સ્પોમાં થઈ ઐતિહાસિક ડીલ

ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાયેલા પ્રતિષ્ઠિત 'યુરોસેટરી ડિફેન્સ એક્સ્પો' (Eurosatory Defense Expo) દરમિયાન આ ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીનો મુખ્ય હેતુ વિશ્વભરની સેનાઓને નેક્સ્ટ જનરેશન આર્ટિલરી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. સૌથી મહત્વની વાત એ છે કે, AM General એ અમેરિકી સેનાના 'મોબાઈલ ટેક્ટિકલ કેનન' (MTC) પ્રોગ્રામ માટે એક પ્રસ્તાવ પણ સોંપ્યો છે. આ પ્રસ્તાવમાં ભારત ફોર્જના MArG (માઉન્ટેડ આર્ટિલરી ગન) પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. જો અમેરિકી સેના આ પ્રોજેક્ટને મંજૂરી આપશે, તો વર્ષ ૨૦૨૭ થી તેની ડિલિવરી શરૂ થઈ શકે છે, જે ભારતીય સંરક્ષણ ઉત્પાદન માટે એક માઈલસ્ટોન સાબિત થશે.

40 કિમી દૂર બેઠેલા દુશ્મનનો ખાતમો કરશે આ તોપ

આ ડીલના કેન્દ્રમાં રહેલી તોપ અદભુત વિશેષતાઓ ધરાવે છે. આ પ્લેટફોર્મમાં ૫૨-કેલિબર વાળી ૧૫૫mm ની તોપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફાયરિંગ દરમિયાન લાગતા મજબૂત ઝટકા (રિકોઈલ) ને ઓછો કરવાની આધુનિક ટેકનોલોજી ધરાવે છે. તેમાં ઓટોમેટેડ લોડ-આસિસ્ટ સિસ્ટમ અને ઓલ-વેધર ફાયર કંટ્રોલ સિસ્ટમ છે. આ તોપ ૪૦ કિલોમીટરથી વધુના અંતરે રહેલા દુશ્મન પર ભારે તબાહી મચાવતા હાઈ-એક્સપ્લોઝિવ ગોળા દાગી શકે છે. તે પોતાની સાથે ૨૦ થી વધુ ગોળા અને દારૂગોળો લઈ જવામાં સક્ષમ છે, જેથી યુદ્ધના મેદાનમાં વારંવાર રીલોડ કરવાની જરૂર પડતી નથી.

રોકાણકારો માટે શું છે માયને?

રોકાણકારો માટે ભારત ફોર્જના શેરના પ્રદર્શન પર નજર રાખવી જરૂરી છે. પ્રારંભિક સત્રમાં કંપનીનો શેર નજીવા ઘટાડા સાથે ૨,૦૧૭.૨૦ રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો, પરંતુ લાંબા ગાળાના રોકાણકારોને આ સ્ટોકે શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં ૪૩.૩૨ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે એકંદર વળતર લગભગ ૫૫ ટકા જેટલું રહ્યું છે. હાલમાં ભારત ફોર્જની કુલ માર્કેટ કેપ ૯૬.૬૭ હજાર કરોડ રૂપિયા છે. આ નવી ડિફેન્સ ડીલ બાદ આગામી દિવસોમાં આ સ્ટોકમાં તેજી આવવાની બજારના નિષ્ણાતો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:Strait of Hormuz: હોર્મુઝ ખૂલ્યું છતાં પડકારો યથાવત, હજુ પણ આ મુદ્દા પર ગૂંચવાયો મામલો

  • Follow us on: