તહેવારોની સિઝન અને દિવાળી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોને અને ખાસ કરીને વેપારી વર્ગને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. WhatsApp અને અન્ય પ્લેટફોર્મ્સ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નામે એક પત્ર ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દિવાળી પહેલા દેશભરમાં ₹10, ₹20 અને ₹50 ના મૂલ્યની નાની ચલણી નોટોની ભારે અછત સર્જાશે. જોકે, સરકારી એજન્સી PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) ફેક્ટ ચેકે તપાસ કરીને આ સમાચારને સંપૂર્ણપણે ખોટા અને અફવા ગણાવ્યા છે.
સોશિયલ મીડિયા પર શું દાવો કરાઈ રહ્યો હતો?
વાયરલ થઈ રહેલા ફોટામાં RBI નું નામ, લોગો અને ગવર્નરની સહીનો ઉપયોગ કરીને તેને સત્તાવાર પત્ર જેવો બનાવવામાં આવ્યો હતો. આ પત્રમાં એવું લખાણ લખવામાં આવ્યું હતું કે સરકારના 'કેશલેસ ઈકોનોમી' અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનને પ્રોત્સાહન આપવા માટે નાની નોટોનું છાપકામ ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને રોકડ વ્યવહાર ઘટાડીને UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ જેવી ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ તરફ વાળવા માટે આ પગલું લેવાયું હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. દિવાળી સમયે નાની નોટોની માંગ વધુ હોવાથી આ મેસેજે વેપારીઓ અને સામાન્ય લોકોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો હતો.
