દિવાળી અને છઠ પૂજા જેવા મુખ્ય તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા વતન જઈ રહેલા મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમમાં ટ્રેન અને બસોમાં કન્ફર્મ ટિકિટોની ભારે અછતને કારણે લોકો હવાઈ મુસાફરી તરફ વળી રહ્યા છે. આ તકનો લાભ લઈને એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટ ટિકિટના દર આસમાને પહોંચાડી દીધા છે. સામાન્ય દિવસોની સરખામણીએ ફ્લાઇટના ભાડામાં બે થી સાત ગણો સુધીનો પ્રચંડ વધારો નોંધાયો છે.
દિલ્હી-કોલકાતા રૂટ પર રૂ. 78,000 થી વધુનું ભાડું:
સૌથી વધુ ચોંકાવનારો વધારો દિલ્હી-કોલકાતા રૂટ પર જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં જ્યાં આ રૂટનું વિમાન ભાડું રૂ. 10,000 થી રૂ. 11,000 ની વચ્ચે રહેતું હોય છે, ત્યાં નવેમ્બરમાં તહેવારના દિવસો (જેમ કે 6 નવેમ્બર) માટે આ ભાડું વધીને ₹78,694 સુધી પહોંચી ગયું છે. આ વધારો સામાન્ય સમય કરતાં લગભગ સાત ગણો વધુ છે.
મુખ્ય રૂટ્સ પર ભાડામાં થયેલો વધારો:
કેવળ કોલકાતા જ નહીં, પરંતુ દેશના અન્ય અગ્રણી શહેરો અને રૂટ્સ પર પણ ફ્લાઇટ ટિકિટોના દર નિયંત્રણ બહાર ગયા છે:
દિલ્હીથી હૈદરાબાદ: સામાન્ય ભાડું ₹8,935 વધીને ₹27,895 થયું.
દિલ્હીથી અમદાવાદ: સામાન્ય ભાડું ₹6,121 વધીને ₹23,413 થયું.
મુંબઈથી દિલ્હી: સામાન્ય ભાડું ₹11,531 વધીને ₹60,577 થયું.
બેંગલુરુથી દિલ્હી: સામાન્ય ભાડું ₹15,901 વધીને ₹40,506 થયું.
દિલ્હીથી કોલકાતા: સામાન્ય ભાડું ₹11,669 વધીને ₹78,694 થયું.
ટિકિટના ભાવ વધવા પાછળના મુખ્ય કારણો:
એરલાઇન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન એકસાથે લાખો લોકો મુસાફરી કરતા હોવાથી વિમાની સીટોની માગ અભૂતપૂર્વ રીતે વધી જાય છે. એરલાઇન્સનું ડાયનેમિક પ્રાઇસિંગ મોડેલ સસ્તી ટિકિટો ઝડપથી વેચાઈ ગયા પછી બાકી રહેલી સીટોના ભાવ ખૂબ ઊંચા કરી દે છે. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાન ઈંધણના વધતા દરો પણ ભાડા વધારા માટે જવાબદાર પરિબળ છે. ટ્રેનોમાં લાંબી વેટિંગ લિસ્ટના કારણે મધ્યમ વર્ગના મુસાફરો પણ આ મોંઘા ભાડા ચૂકવવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચોઃ Ethanol From Hair: શેરડી-મકાઇ પછી હવે વાળમાંથી બનશે ઇથેનોલ? ગુજરાતી સ્ટાર્ટઅપના દાવાએ મચાવી ચર્ચા