સોનાની નિકાસ સાથે જોડાયેલી કંપની રાજેશ એક્સપોર્ટ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા કંપની પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કંપનીના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી મંગળવાર સવારથી શરૂ થઈ હતી અને બેંગલુરુ સહિત અનેક સ્થળોએ એકસાથે હાથ ધરાઈ હતી.

સેબીએ રાજેશ મહેતા પર ટ્રેડિંગ કરવાનો લગાવ્યો પ્રતિબંધ 

સેબીના આરોપ મુજબ રાજેશ એક્સપોર્ટ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 15.15 લાખ કરોડ રૂપિયાનું ફેક એક્સપોર્ટ બતાવ્યું હતું, જે કંપનીના કુલ નિકાસ આંકડાના લગભગ 99 ટકા જેટલું છે. નિયમનકારી સંસ્થાએ આને ગંભીર નાણાકીય ગડબડી ગણાવી હતી. આ મામલે સેબીએ 3 જૂને એક અંતરિમ આદેશ જાહેર કરી કંપનીના પ્રમોટર અને ચેરમેન રાજેશ મેહતાને શેરબજારમાં ટ્રેડિંગથી રોકી દીધા હતા.

તપાસમાં મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી

સેબી અનુસાર FY21થી FY25 વચ્ચે કંપનીએ પોતાની વિદેશી સહાયક કંપનીઓ મારફતે આવકને ખોટી રીતે વધારીને દર્શાવી હતી. આ આંકડાઓની ચકાસણી દરમિયાન મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી હતી, જેના કારણે સમગ્ર મામલો તપાસના ઘેરામાં આવ્યો હતો. આ આક્ષેપો બાદ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. 3 જૂનના સેબીના આદેશ બાદ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને 12 જૂન સુધીમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ થોડો સુધારો જોવા મળ્યો હતો અને શેરમાં લગભગ 40 ટકાનો ઉછાળો પણ નોંધાયો હતો.

રોકાણકારોમાં ચિંતા જોવા મળી

હાલમાં EDની તાજેત્તરની કાર્યવાહી બાદ ફરી એકવાર રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. બજાર નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેર પર આ તપાસની સીધી અસર પડી શકે છે. સમગ્ર કેસમાં વધુ વિગતો અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : India US LPG Trade Record: ભારતમાં અમેરિકી LPG આયાતનો નવો રેકોર્ડ, જૂનમાં 10 લાખ ટનથી વધુ આયાત થશે