દેશભરમાં ગરમીનો પારો સતત નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. દુનિયાના સૌથી ગરમ શહેરોમાં જેની ગણતરી થાય છે તેવા નાગપુર અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. આ ભીષણ ગરમી વચ્ચે સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પર મોંઘા વીજળી બિલનો એવો પહાડ તૂટી પડ્યો છે કે તેઓ કાળઝાળ ગરમીમાં પણ કૂલર કે પંખા ચાલુ કરવાનું સાહસ કરી શકતા નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના નામે વીજળી મોંઘી થતાં ગરીબો અને ખેડૂતોની હાલત દયનીય બની છે.

બિલના ડરે લોકો ઘરની બહાર રાત વિતાવવા મજબૂર

એક અહેવાલ મુજબ, નાગપુરના સુદામ નગરી જેવા શ્રમિક વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી પણ લોકો ઘરની બહાર ભીડ કરીને બેઠેલા જોવા મળે છે. પતરાના મકાનોમાં રહેતા લોકો ગરમીના કારણે અંદર જઈ શકતા નથી. અહીં રહેતા એક ઘરેલુ સહાયિકા અનુરાધા કાવલેએ જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં માત્ર 188 યુનિટ વીજળીનો વપરાશ કરવા છતાં તેમને 1,960 રૂપિયાનું બિલ આવ્યું છે, જે પ્રતિ યુનિટ 10 રૂપિયાથી પણ વધુ છે. આ રકમ તેમના મહિનાના કુલ પગારના 10 ટકા જેટલી છે. બાળકોના ભણતર માટે તેઓ કૂલર બંધ રાખીને ગરમી સહન કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં દેશની સૌથી મોંઘી વીજળી

મહારાષ્ટ્રમાં હાલ દેશની સૌથી મોંઘી વીજળી મળી રહી છે. વીજ નેટવર્ક સુધારવા માટે વીજ કંપની (MSEDCL) એ માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં પોતાના મૂડી ખર્ચમાં 85% નો તોતિંગ વધારો કરીને તેને 234.5 અબજ રૂપિયા કરી દીધો છે, જેનો બોજ ગ્રાહકો પર આવી રહ્યો છે. જોકે સરકાર 2030 સુધીમાં દરોમાં 26% ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ તેનો લાભ માત્ર 100 યુનિટથી ઓછો વપરાશ કરનારાઓને જ મળશે.

ખેડૂતોને ખોટા સમયે વીજળી મળતાં મુશ્કેલી

આ સંકટ માત્ર શહેરો પૂરતું સીમિત નથી. નાગપુરથી 100 કિમી દૂર કેલાપુરના ખેડૂતોને સબસિડીવાળી વીજળી તો મળે છે, પરંતુ તેની ટાઇમિંગ સવારે 8 થી બપોર સુધીની છે, જ્યારે કાળઝાળ ધૂપ હોય છે. ખેડૂતોનું કહેવું છે કે આ જીવલેણ ગરમીમાં ખેતરમાં જઈને મોટર ચલાવવી એ જીવનું જોખમ ખેડવા બરાબર છે. આ અયોગ્ય સમયપત્રકને કારણે ખેડૂતો ચોમાસા પર નિર્ભર બન્યા છે. થિંકટેન્ક 'IRADe' ના મતે, સરકારે ગરીબો માટે ઉનાળામાં ખાસ 'મોસમી સબસિડી' આપવી જોઈએ જેથી લોકોના સ્વાસ્થ્ય અને આજીવિકાનું રક્ષણ થઈ શકે.

આ પણ વાંચો:China: ટ્રમ્પ કે પુતિન...ચીને કોને આપ્યું વધારે સન્માન?