EPFO તેના કરોડો સભ્યો માટે મોટી સુવિધા લાવવા જઈ રહ્યું છે. નવા EPFO 3.0 પ્રોજેક્ટ હેઠળ ભવિષ્યમાં PF પૈસા ATM અને UPI દ્વારા પણ ઉપાડી શકાશે. આ સુવિધા શરૂ થતા લગભગ 7.8 કરોડ ખાતાધારકોને લાંબી પ્રક્રિયા અને કાગળોની ઝંઝટમાંથી રાહત મળશે.
5 લાખ સુધીના ક્લેમ ઓટોસેટલ રીતે મંજૂર થઈ જશે
નવી સિસ્ટમ મુજબ PF ક્લેમ, એકાઉન્ટ ટ્રાન્સફર અને પૈસા ઉપાડવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજિટલ અને ઝડપી બની જશે. સરકારનું લક્ષ્ય છે કે 2026ના મધ્ય સુધીમાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે અમલમાં આવી જાય. EPFO 3.0 હેઠળ ₹5 લાખ સુધીના ક્લેમ આપમેળે પ્રક્રિયા દ્વારા મંજૂર થઈ જશે. જેના કારણે ક્લેમ પ્રક્રિયાનો સમય 10-20 દિવસથી ઘટીને માત્ર 2થી 5 દિવસ થઈ શકે છે. આધાર સાથે વેરિફાઈડ ખાતાધારકોને હવે પાસબુક અથવા ચેક અપલોડ કરવાની જરૂર પણ નહીં રહે.
EPFO સભ્યોને ખાસ ATM કાર્ડ આપવામાં આવશે
નવી વ્યવસ્થામાં EPFO સભ્યોને ખાસ ATM કાર્ડ આપવામાં આવશે, જે સીધું તેમના PF ખાતા સાથે જોડાયેલું રહેશે. આ કાર્ડથી ATMમાંથી સીધા નાણાં ઉપાડી શકાશે. ઉપરાંત ફોનપે, ગુગલ પે જેવા UPI એપ્સ દ્વારા પણ PFની રકમ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે. શરૂઆતમાં 1 લાખ રૂપિયા સુધીની નિકાસીની સુવિધા મળી શકે છે.
નોકરી બદલનાર કર્મચારીઓ માટે પણ મોટી રાહત છે. હવે PF બેલેન્સ જૂની કંપનીમાંથી નવી કંપનીમાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે, જેથી વારંવાર ઓફિસના ચક્કર મારવા નહીં પડે. PF ઉપાડવા માટે UAN એક્ટિવ હોવો જરૂરી રહેશે અને તે આધાર, PAN અને બેન્ક ખાતા સાથે લિંક હોવું ફરજિયાત રહેશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ PF લાંબા ગાળાની બચત માટે મહત્વપૂર્ણ છે, તેથી જરૂર પડે ત્યારે જ તેનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.
આ પણ વાંચો : Anil Ambani ગ્રુપ પર CBIએ કસ્યો સકંજો, મુંબઈમાં 17 જગ્યાઓ પર પાડ્યા દરોડા