દેશભરના લાખો ઇપીએફઓ (EPFO) ખાતાધારકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માટે પીએફ ખાતામાં વ્યાજની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અંદાજે 34 કરોડ સક્રિય અને નિવૃત્ત ખાતાધારકોને આગામી ૧૫ જુલાઈ સુધીમાં કુલ ₹૧.૪૪ લાખ કરોડથી વધુની વ્યાજની રકમ તેમના ખાતામાં મળી જશે.
ઝડપી વ્યાજ ક્રેડિટિંગની નવી સિસ્ટમ
અગાઉની સિસ્ટમમાં પીએફનું વ્યાજ ખાતાધારકો સુધી પહોંચતા ઓક્ટોબર કે નવેમ્બર મહિના સુધીનો સમય લાગતો હતો. પરંતુ, EPFO દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી 'ઓટો-પ્રોસેસ' સિસ્ટમને કારણે આ પ્રક્રિયા ઘણી ઝડપી બની છે. શ્રમ મંત્રાલયના સૂત્રોના મતે, હાલમાં ફિલ્ડ વેરિફિકેશનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જેમાં માત્ર 1 થી 2 દિવસનો સમય લાગશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ વ્યાજની રકમ ખાતામાં જમા થઈ જશે.
વ્યાજ દર અને ગણતરીની પદ્ધતિ
સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પીએફ થાપણો પર 8.25 % ના દરે વ્યાજ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઘણીવાર ખાતાધારકોને વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે તે અંગે મૂંઝવણ હોય છે. પીએફ વ્યાજની ગણતરી માસિક ધોરણે ખાતામાં રહેલા બેલેન્સના આધારે કરવામાં આવે છે. દરેક નાણાકીય વર્ષના અંતે, એટલે કે 31 માર્ચે, એકત્રિત થયેલું કુલ વ્યાજ ખાતામાં જમા કરવામાં આવે છે.
કોને મળશે લાભ?
આ લાભ માત્ર વર્તમાન સક્રિય ખાતાધારકોને જ નહીં, પરંતુ એવા નિવૃત્ત સભ્યોને પણ મળશે જેમણે તેમનું યોગદાન પૂરું કર્યાના ત્રણ વર્ષ પૂર્ણ નથી કર્યા. EPFO ના કુલ સભ્યોમાંથી લગભગ 9 કરોડ સક્રિય ખાતાધારકો છે, જ્યારે બાકીના નિવૃત્ત સભ્યો છે. આમ કુલ ૩૪ કરોડ લોકોને આ મોટી રકમનો લાભ મળશે. આ નવી સિસ્ટમથી એ સ્પષ્ટ થાય છે કે EPFO ભવિષ્યમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે કટિબદ્ધ છે. ખાતાધારકો માટે આ ચોક્કસપણે રાહતની વાત છે કે તેમને આ વખતે અગાઉની સરખામણીએ વહેલું વ્યાજ મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Lock Upp 2: ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા બાદ શું આકાંક્ષા ચમોલા ફરી લગ્ન કરશે? જાણો શું છે તેનો પ્લાન!