ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે નોકરી બદલવી કે નોકરી ગુમાવવી આજના સમયમાં સામાન્ય બાબત બની ગઈ છે. છટણી, આર્થિક મંદી, સારી તકની શોધ અથવા વ્યક્તિગત કારણોસર ઘણા લોકો થોડો સમય બેરોજગાર રહે છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, “મારી નોકરી છૂટી ગઈ છે, તો શું હવે મારા PF પર વ્યાજ મળવાનું બંધ થઈ જશે?
નોકરી છોડ્યા પછી PF શું કામનું ?
ઘણા કર્મચારીઓ આજે પણ માનતા હોય છે કે નોકરી છોડ્યા પછી PF ખાતું “નિષ્ક્રિય” બની જાય છે અને 3 વર્ષ પછી વ્યાજ બંધ થઈ જાય છે. આ માન્યતા ખોટી છે અને અધૂરી માહિતી પરથી ઉભી થઈ છે. આ ગેરસમજના કારણે ઘણા લોકો ઉતાવળમાં પોતાનું સમગ્ર PF ઉપાડી લે છે, જે તેમની લાંબા ગાળાની નિવૃત્તિ બચતને નુકસાન પહોંચાડે છે.
PFખાતામાં રહેલી રકમ પર વ્યાજ
હકીકતમાં, EPFOના નિયમો અનુસાર જો તમે 58 વર્ષની ઉંમર પહેલાં નોકરી છોડો છો, તો પણ તમારા PF ખાતામાં રહેલી રકમ પર વ્યાજ મળતું રહે છે. ભલે તમારા ખાતામાં કોઈ નવું યોગદાન ન આવે, તેમ છતાં સરકાર દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક વ્યાજ દર મુજબ તમારો PF બેલેન્સ વધતો રહે છે.
“3-વર્ષનો નિયમ”
“3-વર્ષનો નિયમ” ખાસ કરીને એવા લોકો માટે લાગુ પડતો હતો, જે 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ ગયા હોય. જો નિવૃત્તિ પછી ત્રણ વર્ષ સુધી તેઓ PFની રકમનો દાવો ન કરે, તો તે સ્થિતિમાં વ્યાજ બંધ થાય છે. આ નિયમને ઘણી વખત સામાન્ય કર્મચારીઓ સાથે જોડીને ખોટી રીતે સમજવામાં આવ્યો છે.
2016માં બન્યો હતો નિયમ
2016માં સરકારે EPFના નિયમોમાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી. આ સુધારા પછી એ સ્પષ્ટ થઈ ગયું કે 58 વર્ષની ઉંમર પહેલાં નોકરી છોડી દેતા કર્મચારીઓના ખાતાને “નિષ્ક્રિય” માનવામાં આવતું નથી. એટલે કે, વર્ષો સુધી નોકરી ન હોય તો પણ PF પર વ્યાજ ચાલુ રહે છે. અહીં સૌથી મોટી ભૂલ એ છે કે લોકો ડરથી PF ઉપાડી લે છે. PF માત્ર તાત્કાલિક જરૂરિયાત માટે નથી, પરંતુ લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા માટે છે. જો તમને તરત પૈસાની જરૂર ન હોય, તો PF ખાતું ચાલુ રાખવું વધુ ફાયદાકારક સાબિત થાય છે.
આ પણ વાંચો : ભારત Iranથી શું ખરીદે છે અને વેચે છે? ટ્રમ્પની 25% ટેરિફ અસર જાણો!