બુધવારે કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓ માટે એક મોટી અને રાહતની જાહેરાત કરી છે. સરકાર દ્વારા પેન્શન કપાત માટેની ફરજિયાત પગાર મર્યાદા ₹15,000 થી વધારીને સીધી ₹25,000 કરી દેવામાં આવી છે. આ નવા નિયમથી અંદાજે 5.1 મિલિયન કર્મચારીઓ માટે પેન્શન કપાત ફરજિયાત બની જશે, જેના કારણે સરકારી તિજોરી પર અંદાજે ₹11,339 કરોડનો વાર્ષિક બોજ પડશે. આ ઐતિહાસિક નિર્ણયથી કર્મચારીઓની સામાજિક સુરક્ષામાં મોટો વધારો થશે.

માસિક પગારમાંથી નહીં કપાય 

આ નવો નિયમ આજથી એટલે કે 17 સપ્ટેમ્બર, 2026 થી અમલમાં આવી ગયો છે. ખાસ વાત એ છે કે આ પેન્શન ફાળો કર્મચારીના પોતાના હાથમાં આવતા માસિક પગારમાંથી કપાશે નહીં, પરંતુ નોકરીદાતા (Employer) ના હિસ્સામાંથી જમા કરવામાં આવશે. નિયમ મુજબ, નોકરીદાતા કર્મચારીના પગારમાંથી 8.33% હિસ્સો પેન્શન ફંડમાં આપશે અને બાકીની રકમ પીએફ (PF) ખાતામાં જમા કરશે. આનાથી કર્મચારીઓના ઇન-હેન્ડ પગાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે અને નિવૃત્તિ પછી સુરક્ષિત આર્થિક સહાય મળી રહેશે.

નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે? 

હવે મોટો સવાલ એ છે કે જો તમારો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ રકમ ₹25,000 ની શ્રેણીમાં આવે છે, તો નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે? કર્મચારી પેન્શન યોજના (EPS) ના નિયમો અનુસાર, માસિક પેન્શન ગણવા માટેનું સૂત્ર છે: (પેન્શનપાત્ર પગાર × પેન્શનપાત્ર સેવાના વર્ષો) ભાગ્યા 70. આ ઉપરાંત, જો કોઈ કર્મચારીની સેવા 20 વર્ષ કે તેથી વધુ હોય, તો તેને 2 વર્ષનું વધારાનું સેવા વજન (બોનસ) પણ આપવામાં આવે છે.

આ રહ્યુ આખું ગણિત

ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 25 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરે અને તેની નિવૃત્તિ 58 વર્ષની વયે થાય, તો તેની પેન્શનપાત્ર સેવા 33 વર્ષ ગણવામાં આવશે. જેમાં 2 વર્ષનું બોનસ ઉમેરતા કુલ 35 વર્ષ ગણાય. આ ગણિત મુજબ, જો તમારો બેઝિક પગાર ₹25,000 હોય, તો તમને દર મહિને અંદાજે ₹12,500 પેન્શન મળશે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમરે આ શ્રેણીમાં આવે છે, તો તેને 28 વર્ષની સેવા અને બોનસ સાથે દર મહિને અંદાજે ₹10,714 પેન્શન મળવાપાત્ર બનશે.

આ પણ વાંચોઃ Greenland અને એન્ટાર્કટિકામાંથી 1.2 ટ્રિલિયન ટન બરફ અચાનક ગાયબ, શું આવી રહ્યો છે ગંભીર ખતરો?