જ્યારે આપણી મહેનતની કમાણીનો એક ભાગ પ્રોવિડન્ટ ફંડ (PF) માં જમા થાય છે, ત્યારે ભવિષ્ય સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે. પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે જરૂરિયાતના સમયે આ પૈસા અટવાઈ જાય છે અથવા તો પીએફનો દાવો (Claim) નકારી દેવામાં આવે છે. નોકરી કરતા લોકોને અવારનવાર PF ટ્રાન્સફર, ઉપાડમાં વિલંબ, કંપની દ્વારા પૈસા જમા ન કરવા અથવા KYC માં ભૂલ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઓફિસે જઇને લાંબી લાઇનોમાં ઉભા રહેવું નહી પડે!
જો તમે પણ આવી જ કોઈ સમસ્યાથી પરેશાન છો, તો હવે તમારે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) ની ઓફિસે જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. તમે ઘરે બેઠા જ EPFO ના ઓનલાઈન ફરિયાદ નિવારણ પોર્ટલ 'EPFiGMS' (EPF i-Grievance Management System) દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને તેનું ઝડપી નિવારણ મેળવી શકો છો. આ ડિજિટલ સિસ્ટમ તમારી ફરિયાદને સીધી યોગ્ય અધિકારી સુધી પહોંચાડે છે.
તમે કઈ બાબતો માટે ફરિયાદ નોંધાવી શકો છો?
પીએફ ઉપાડવામાં કે ખાતામાં ટ્રાન્સફર કરવામાં થતો વિલંબ.
પેન્શનને લગતી કોઈપણ સમસ્યા.
પીએફ રેકોર્ડમાં નામ, જન્મતારીખ જેવી અંગત માહિતી ખોટી હોવી.
KYC અપડેટ કરવામાં આવતી અડચણો.
કંપની દ્વારા પીએફનું યોગદાન જમા ન કરાવવું કે પાસબુક જોવામાં તકલીફ.
ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સરળ પ્રક્રિયા:
1. પોર્ટલની મુલાકાત લો: સૌથી પહેલાં EPFiGMS ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
2. કેટેગરી પસંદ કરો: હોમપેજ પર 'Register Grievance' પર ક્લિક કરો. ત્યારબાદ PF મેમ્બર, પેન્શનર કે નોકરીદાતામાંથી તમારી યોગ્ય શ્રેણી પસંદ કરો.
3. UAN અને OTP વેરિફિકેશન: જો તમે કર્મચારી છો, તો તમારો UAN નંબર દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો OTP નાખીને વેરિફિકેશન પૂર્ણ કરો.
4. પીએફ ખાતું પસંદ કરો: વેરિફિકેશન પછી તમારા UAN સાથે જોડાયેલા ખાતાની વિગત દેખાશે. જે ખાતાની સમસ્યા હોય તે પસંદ કરો.
5. વિગતો અને દસ્તાવેજો: તમારી ફરિયાદનો પ્રકાર પસંદ કરી, સમસ્યાની વિગતવાર માહિતી લખો. પુરાવા તરીકે જરૂરી દસ્તાવેજો કે સ્ક્રીનશોટ અપલોડ કરો.
6. રજિસ્ટ્રેશન નંબર સાચવો: પ્રક્રિયા પૂરી થતાં જ સ્ક્રીન પર એક યુનિક રજિસ્ટ્રેશન નંબર દેખાશે, તેને ભવિષ્ય માટે સાચવી લો.
સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
ફરિયાદ નોંધાયા પછી તમે કોઈપણ સમયે તેની સ્થિતિ જાણી શકો છો. આ માટે પોર્ટલ પર જઈને 'View Status' પર ક્લિક કરો અને તમારો રજિસ્ટ્રેશન નંબર સબમિટ કરો. તમારી ફરિયાદ પર શું કાર્યવાહી થઈ છે તે લાઈવ જોઈ શકાશે. જો અધિકારીને કોઈ વધુ દસ્તાવેજ જોઈતા હશે, તો તે પણ તમે આ જ પોર્ટલ પર ફરી અપલોડ કરી શકશો.
આ પણ વાંચોઃ Skin Problems: મોંઘી ક્રીમો અને ટ્રીટમેન્ટ પણ ફેલ, આ કારણે થાય છે ત્વચા પર ખીલ અને ડાઘ!