ઘણા લોકો વર્ષો સુધી મોંઘા ફેસવોશ, ક્રીમ અને વિવિધ પ્રકારની ત્વચાની સારવાર પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, છતાં ખીલ, લાલાશ, ખંજવાળ અને અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓ વારંવાર ઉભરી આવે છે. પરંતુ ડોક્ટરનું માનવું છે કે મોટાભાગના લોકો ત્વચાની સમસ્યાઓને માત્ર ઉપરછલ્લી માને છે, પરંતુ વાસ્તવમાં આ સમસ્યાઓનું મૂળ શરીરની અંદર, ખાસ કરીને આપણા પાચનતંત્ર અને આંતરડામાં રહેલું હોય છે. ત્વચા, પાચનતંત્ર, હોર્મોન્સ અને રોગપ્રતિકારક શક્તિ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'ગટ-સ્કીન એક્સિસ' (Gut-Skin Axis) કહેવામાં આવે છે.
આંતરડા અને ત્વચા વચ્ચેનું જોડાણ
ડોક્ટરના મતે ત્વચાની સ્થિતિ મોટાભાગે આંતરડાના સ્વાસ્થ્ય દ્વારા નિર્ધારિત થાય છે. આંતરડામાં રહેલા અબજો સૂક્ષ્મસજીવો શરીરમાં બળતરા અને હોર્મોનલ અસંતુલન પેદા કરી શકે છે, જેની સીધી અસર ત્વચા પર જોવા મળે છે. ખીલ, રોસેસીયા, ખરજવું અને સોરાયસીસ જેવી બીમારીઓની સારવારમાં હવે ડોકટરો આંતરડાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
ગટ ડિસબાયોસિસ: સમસ્યાની શરૂઆત
માનવ પાચનતંત્રમાં રહેલા બેક્ટેરિયાના સમૂહને 'ગટ માઇક્રોબાયોમ' કહેવામાં આવે છે, જે પાચન અને રોગપ્રતિકારક શક્તિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આંતરડામાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય અને હાનિકારક બેક્ટેરિયા વધે છે, ત્યારે 'ગટ ડિસબાયોસિસ' જેવી સ્થિતિ સર્જાય છે. આ અસંતુલન શરીરમાં સતત બળતરા પેદા કરે છે, જે ત્વચાના રોગોને વધુ ગંભીર બનાવી દે છે.
જીવનશૈલી અને આહારનું મહત્વ
મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. ગજેન્દ્ર આરના મતે, આજની આધુનિક જીવનશૈલીમાં વધુ પડતી ખાંડ, પ્રોસેસ્ડ ફૂડ, માનસિક તણાવ, અપૂરતી ઊંઘ અને એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ આંતરડાના સારા બેક્ટેરિયાનો નાશ કરી રહ્યો છે, જેની અસર ત્વચા પર સ્પષ્ટ દેખાય છે. સુંદર ત્વચા મેળવવા માટે માત્ર બાહ્ય સજાવટ પૂરતી નથી, પરંતુ શરીરની આંતરિક સફાઈ અને પોષણ જરૂરી છે.
આ બધાનો એક જ ઉપાય
આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે ફાઇબરયુક્ત ફળો, શાકભાજી અને આખા અનાજનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. દહીં, કિમચી અને કીફિર જેવા આથોવાળા (Fermented) ખોરાક સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. તણાવ મુક્ત રહેવું અને પૂરતી ઊંઘ લેવી એ પણ ત્વચાને કુદરતી ચમક આપવા માટે અનિવાર્ય છે. ટૂંકમાં, જો તમે આંતરડાને સ્વસ્થ રાખશો, તો તમારી ત્વચા પણ સ્વસ્થ અને ચમકતી રહેશે.
આ પણ વાંચોઃ Lifestyle: જિમ અને વૉકિંગ પછી પણ નથી ઘટતી પેટની જીદ્દી ચરબી, અપનાવો આ યોગ ફોર્મ્યુલા