આજના આધુનિક યુગમાં કલાકો સુધી ડેસ્ક જોબ, બગડતી જીવનશૈલી અને ફાસ્ટ ફૂડ ખાવાની બિનઆરોગ્યપ્રદ આદતોની ખરાબ અસર આપણા પેટ પર જોવા મળે છે. મોટાભાગના લોકોની સામાન્ય ફરિયાદ હોય છે કે તેઓ નિયમિત જીમમાં જાય છે, રોજ સવાર-સાંજ ચાલવા પણ જાય છે, છતાં પેટની જીદ્દી ચરબી (Belly Fat) ટસથી મસ થતી નથી. જો તમે પણ આ હઠીલી ચરબીથી પરેશાન થઈ ગયા હોવ, તો હવે તમારી ફિટનેસ સ્ટ્રેટેજી અને અભિગમને બદલવાનો સમય આવી ગયો છે. ભારતના પ્રાચીન વિજ્ઞાન એટલે કે યોગમાં આ સમસ્યાનો ઉકેલ રહેલો છે.


પેટની જીદ્દી ચરબી ઘટાડશે આ 3 યોગાસન

1. નૌકાસન (Boat Pose)

આ આસન કરતી વખતે શરીરનો આકાર એક નાની હોડી (નાવ) જેવો બને છે. જ્યારે તમે આ પોઝિશનમાં હોવ છો, ત્યારે તમારા શરીરનું આખું સંતુલન પેટના સ્નાયુઓ પર આવી જાય છે. પીઠના બળે ચતા સૂઈ જાઓ. શ્વાસ લેતા લેતા તમારા માથા, છાતી અને પગને જમીનથી 30 ડિગ્રી જેટલા ઉપર ઉઠાવો. તમારા હાથને પગની દિશામાં સીધા રાખો. આ આસનથી પેટના સ્નાયુઓ (Abs) ખૂબ જ મજબૂત બને છે અને ત્યાં જમા થયેલી ચરબી ખૂબ જ ઝડપથી ઓગળે છે.

2. ભુજંગાસન (Cobra Pose)

આ આસનને અંગ્રેજીમાં 'કોબ્રા પોઝ' કહેવામાં આવે છે કારણ કે તેમાં શરીરનો આકાર ફેણ ઉઠાવેલા સાપ જેવો બને છે. પેટના બળે ઊંધા સૂઈ જાઓ. તમારા બંને હથેળીઓને ખભાની નીચે રાખો. હવે શ્વાસ લેતા લેતા શરીરના આગળના ભાગને (નાભિ સુધી) ઉપરની તરફ ઉઠાવો અને આકાશ તરફ જુઓ. થોડી સેકન્ડ આ સ્થિતિમાં રહો. આ આસન કરવાથી પેટના સ્નાયુઓમાં ઊંડું ખેંચાણ (Stretch) આવે છે. તે પેટની ચરબી ઘટાડવાની સાથે-સાથે પાચનતંત્રને સુધારે છે અને કમરના દુખાવામાં પણ રાહત આપે છે.

3. કુંભકાસન (Plank Pose)

સામાન્ય ભાષામાં આને આપણે 'પ્લેન્ક' કહીએ છીએ. આ આસન ભલે દેખાવામાં સરળ લાગે, પણ પેટની ચરબી ઓગળવા માટે આ રામબાણ ઈલાજ છે. પેટના બળે સૂઈને તમારા હાથની કોણીઓ અને પગના પંજા પર આખા શરીરનું વજન લાવો. તમારું શરીર માથાથી લઈને પગ સુધી એકદમ સીધી રેખામાં (લાકડાના પાટિયા જેવું) હોવું જોઈએ. આ સ્થિતિમાં પેટને અંદરની તરફ ખેંચી રાખવાનો પ્રયાસ કરો. આ આસન આખા કોર (Core) એરિયાને ટાર્ગેટ કરે છે. તે પેટની આસપાસના સ્નાયુઓને ટોન કરે છે અને જીદ્દી ચરબીને ખૂબ જ ઝડપથી ઘટાડે છે.

યોગાસન કરતા રાખો ધ્યાન

પેટની આસપાસ જમા થયેલી જીદ્દી ચરબી (Belly Fat) દૂર કરવા માટે નિયમિત કસરત અને યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે. આ આસનોની શરૂઆત હંમેશા ખાલી પેટે કરવી જોઈએ. જો તમને કમરનો ગંભીર દુખાવો, હર્નિયા અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય, તો નિષ્ણાતની સલાહ લીધા પછી જ આ આસનો કરવા. આ યોગ આસનો પેટના સ્નાયુઓ પર સીધું દબાણ લાવે છે, જેનાથી ત્યાંનું મેટાબોલિઝમ વધે છે અને ચરબી ઝડપથી ઓગળવા લાગે છે.


આ પણ વાંચો : Lifestyle: બજારમાં મળતા જાંબુ અસલી છે કે નકલી, ખેડૂતની આ સચોટ ટીપ્સથી કરો ઓળખ

  • Follow us on: