કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આશરે 800 કંપનીઓની ઓળખ કરી છે, જ્યાં કામ કરતા કર્મચારીઓની PF હેઠળ હજુ સુધી રજિસ્ટ્રેશન કર્યું નથી. EPFOએ આ કંપનીઓને નોટિસ પાઠવીને કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.
સંગઠને કર્મચારીઓને કરી આ અપીલ
EPFOના જણાવ્યા મુજબ, આ યાદીમાં રેસ્ટોરન્ટ, શ્રમ સપ્લાય એજન્સીઓ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ સહિત અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંગઠને કર્મચારીઓને પણ પોતાના PF કવરેજ અને નોંધણીની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. EPFOએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંગઠનનું કહેવું છે કે કર્મચારીઓને PF વ્યવસ્થામાં સામેલ કરવાની જવાબદારી મુખ્યત્વે નોકરીદાતાની છે.
