ભારતીય શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય બજારમાં સતત વેચવાલી કરી રહેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) હવે ફરી ખરીદીના મૂડમાં જોવા મળી રહ્યા છે. ઓગસ્ટના પ્રથમ 15 દિવસમાં જ FPIએ ભારતીય શેરબજારમાં ₹16,621 કરોડનું રોકાણ કર્યું છે. જુલાઈમાં પણ વિદેશી રોકાણકારોએ આશરે ₹20,200 કરોડનું રોકાણ કર્યું હતું. આ સાથે સતત બીજા મહિને વિદેશી મૂડીનો પ્રવાહ જોવા મળ્યો છે.
અત્યાર સુધી કેટલી વેચવાલી કરી?
વર્ષ 2026ની શરૂઆતથી વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી જોવા મળી હતી. અત્યાર સુધી તેઓ ભારતીય બજારમાંથી કુલ આશરે ₹2.4 લાખ કરોડ પાછા ખેંચી ચૂક્યા છે. આ આંકડો સમગ્ર 2025 દરમિયાન ઉપાડવામાં આવેલા ₹1.66 લાખ કરોડ કરતાં પણ વધુ છે. માર્ચમાં ₹1.17 લાખ કરોડ, એપ્રિલમાં ₹60,847 કરોડ, મેમાં ₹32,963 કરોડ અને જૂનમાં ₹49,340 કરોડની વેચવાલી થઈ હતી. માત્ર ફેબ્રુઆરીમાં FPIએ થોડી ખરીદી કરી હતી.
કયા કારણોસર વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો?
અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની વધતી અપેક્ષા, કાચા તેલના ભાવમાં નરમાઈ અને રૂપિયાની સ્થિરતા જેવા કારણોસર વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ઉપરાંત, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં AI આધારિત શેરોમાં મોટા પ્રમાણમાં રોકાણ થયા બાદ રોકાણકારો પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા ભારત તરફ વળી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
કયા ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે રસ?
વિદેશી રોકાણકારો ખાસ કરીને ભારતીય સ્થાનિક માગ સાથે જોડાયેલી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને કન્ઝ્યુમર સર્વિસિસ જેવા ક્ષેત્રોમાં રસ જોવા મળી રહ્યો છે. જુલાઈમાં IT, મેટલ અને માઈનિંગ ક્ષેત્રોમાં પણ વિદેશી ખરીદી નોંધાઈ હતી. FPIની આ વાપસી ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Business News : RIL, TCS, SBI સહિત 5 કંપનીઓના માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો ઘટાડો, LICને રૂપિયા 26,438 કરોડનો ફાયદો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.