જો તમે આગામી દિવસોમાં દેશ-વિદેશની મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ, તો તમારે તમારા બજેટમાં વધારો કરવો પડી શકે છે. મેકકિન્સીના તાજેતરના અહેવાલ મુજબ, હવાઈ ભાડામાં 25% સુધીનો તોતિંગ વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય મુસાફરો માટે ચિંતાનો વિષય છે.
ભાવ વધવાનું મુખ્ય કારણ: જેટ ઇંધણની અછત
આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ 'જેટ ઇંધણ' (Jet Fuel) નો વધતો જતો ભાવ અને તેની અછત છે. વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવ અને રિફાઇનરીઓમાં ઉત્પાદન ઘટવાને કારણે ઇંધણનો પુરવઠો ખોરવાયો છે. ગલ્ફ દેશો અને એશિયન નિકાસકારો, જે વિશ્વના 40% જેટ ઇંધણનો પુરવઠો પૂરો પાડે છે, તેમની રિફાઇનરીઓની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, ચીન અને ભારત જેવા દેશો દ્વારા નિકાસ પરના પ્રતિબંધોએ પણ આ સમસ્યાને ગંભીર બનાવી દીધી છે.
'ક્રેક સ્પ્રેડ' અને તેની અસર
ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઇંધણ વચ્ચેના ભાવના તફાવતને 'ક્રેક સ્પ્રેડ' કહેવાય છે. રિપોર્ટ મુજબ, ૨૦૨૬ સુધીમાં ક્રેક સ્પ્રેડ સરેરાશ $૫૦ પ્રતિ બેરલને પાર કરી શકે છે. જ્યારે ઇંધણના ભાવમાં આટલો મોટો વધારો થાય છે, ત્યારે એરલાઇન્સ કંપનીઓ પાસે પોતાની ઓપરેટિંગ કોસ્ટ કાઢવા માટે ટિકિટના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સામાન્ય રીતે વિમાનની કુલ ટિકિટના ભાવમાં 30% હિસ્સો માત્ર ઇંધણનો હોય છે, તેથી જેટ ઇંધણ મોંઘું થતા તેની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડે છે.
મુસાફરો પર કેટલી અસર પડશે?
ઉદાહરણ તરીકે, જો ચાર વ્યક્તિઓનું ગ્રુપ દિલ્હીથી દુબઈની મુસાફરી કરે અને તેનું કુલ ભાડું હાલમાં 1 લાખ રૂપિયા હોય, તો ૨૫% ના વધારા સાથે આ ખર્ચ 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કર ટ્રાફિક વધે અથવા સપ્લાય ચેઈન સામાન્ય થાય તો ભાવમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ હાલની સ્થિતિ જોતા આગામી કેટલાક મહિનાઓ સુધી ભાડામાં તેજી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જેટ ઇંધણની અછત અને વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલા સંઘર્ષો હવાઈ મુસાફરીને વધુ ખર્ચાળ બનાવી રહ્યા છે. મુસાફરોએ હવે તેમના પ્રવાસ માટે અગાઉથી વધુ આર્થિક તૈયારી રાખવી પડશે.
આ પણ વાંચોઃ Ketan Agrawal Death: "હું કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી", મંગેતર અને પ્રેમીનો ચોંકાવનારો ખુલાસો