મહારાષ્ટ્રના ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન ૨૬ વર્ષીય કેતન અગ્રવાલના રહસ્યમય મોતનો કેસ શરૂઆતમાં એક સામાન્ય અકસ્માત લાગતો હતો. પરંતુ પુણે ગ્રામીણ પોલીસે જ્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે એક એવી સનસનાટીભરી અને હૃદયકંપાવનારી હકીકત સામે આવી જેણે બધાને ચોંકાવી દીધા. આ કોઈ અકસ્માત નહીં, પરંતુ કેતનની ૨૦ વર્ષીય મંગેતર સિયા ગોયલ અને તેના ૨૨ વર્ષીય પ્રેમી ચેતન ચૌધરી દ્વારા રચાયેલું એક સુનિયોજિત કાવતરું હતું.
સિયા લગ્નથી ખુશ નહોતી
ફેબ્રુઆરી મહિનામાં કેતન અને સિયાની સગાઈ થઈ હતી. પરંતુ સિયા આ લગ્નથી ખુશ નહોતી, કારણ કે તેનું પુણેના કોંધવા વિસ્તારના રહેવાસી ચેતન બાબુલાલ ચૌધરી સાથે અફેર ચાલતું હતું. સિયા કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી અને ચેતનને પોતાના જીવનસાથી તરીકે જોતી હતી. આ પ્રેમ ત્રિકોણમાં સિયા અને ચેતને કેતનને પોતાના રસ્તાનો કાંટો ગણી તેને કાયમ માટે હટાવવાની યોજના બનાવી.
કિલ્લાની મુલાકાત માટે વિચિત્ર દબાણ કરતી
યોજનાના ભાગરૂપે, સિયાએ અચાનક કેતન પર લોહગઢ કિલ્લાની મુલાકાત લેવા માટે વિચિત્ર દબાણ કરવાનું શરૂ કર્યું. કેતનની બહેન સંજના અને પરિવારના જણાવ્યા મુજબ, સિયાએ માત્ર ૧૫ દિવસમાં ચાર વાર કેતનને ત્યાં લઈ જવાનો આગ્રહ રાખ્યો હતો. આખરે, 18 જૂનના રોજ સિયા કેતનને પ્રવાસના બહાને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ. ત્યાં અગાઉથી જ હાજર સિયાના પ્રેમી ચેતન અને સિયાએ ભેગા મળીને કેતનને કિલ્લાની એક ઊંડી ખાડીમાં ધકેલી દીધો, જેથી તે અકસ્માત જેવું લાગે.
ગુનેગાર ભૂલ તો કરી જ બેસે છે
જોકે, ગુનેગારો ગમે તેટલા સાણા હોય, કોઈને કોઈ ભૂલ કરી જ બેસે છે. આ કેસનો ભેદ ઉકેલવામાં લોહગઢ કિલ્લાના ટિકિટ કાઉન્ટર પર લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજે મુખ્ય ભૂમિકા ભજવી. ફૂટેજની તપાસ દરમિયાન પોલીસને એક વિચિત્ર બાબત જોવા મળી. 18 જૂને પુણેમાં ભારે ગરમી હતી અને તાપમાન આશરે ૩૩ ડિગ્રી સેલ્સિયસ હતું. આટલી અસહ્ય ગરમીમાં પણ એક યુવક શોર્ટ્સ સાથે જાડી હૂડી પહેરીને કેતન અને સિયાની પાછળ થોડા અંતરે ચાલી રહ્યો હતો. તેણે પોતાનો ચહેરો છુપાવવા હૂડીની કેપ માથા પર ખેંચી રાખી હતી અને હેડફોન પહેર્યા હતા.
આખરે તે હુડી વાળો વ્યક્તિ ચેતન ચૌધરી જ નીકળ્યો
બીજા એક ફૂટેજમાં જ્યારે સિયાએ પાછળ ફરીને જોયું, ત્યારે આ હૂડીવાળા યુવકે તરત જ નીચે બેસીને છુપાવાનો પ્રયાસ કર્યો હતો. આ શંકાસ્પદ હિલચાલને કારણે પોલીસે તપાસ તેજ કરી અને આખરે તે યુવક બીજું કોઈ નહીં પણ સિયાનો પ્રેમી ચેતન ચૌધરી હોવાનું બહાર આવ્યું. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલના માર્ગદર્શન હેઠળ પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ કરી, જેમાં સિયા અને ચેતને પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને હાલ બંને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.
આ પણ વાંચોઃ Crude Oil Price Crash: શું હવે સસ્તું થશે પેટ્રોલ? $120 થી ઘટીને $77 પર આવ્યું ક્રૂડ ઓઇલ!