ફ્લિપકાર્ટના ગ્રુપ CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ કંપનીમાં 11 વર્ષથી વધુ સમય વિતાવ્યા બાદ પોતાના પદ પરથી વિદાય લઈ રહ્યા છે. કંપનીએ તેમના વિદાયની જાહેરાત કરી છે. તેમના નેતૃત્વમાં ફ્લિપકાર્ટે ભારતીય ઈ-કોમર્સ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું અને બિઝનેસનો પાંચ ગણાથી વધુ વિસ્તાર કર્યો હતો. જોકે, કંપનીએ તેમના પદ છોડવા પાછળનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી.આ લીડરશિપમાં ફેરફાર એવા સમયે થયો છે જ્યારે ફ્લિપકાર્ટ સંભવિત IPO, નફાકારકતા અને ભવિષ્યની બિઝનેસ વ્યૂહરચના જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરી રહી છે. તેમના રાજીનામાને કારણે કંપનીના ભવિષ્યના આયોજન અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
IPOના સમયગાળાને લઈને વોલમાર્ટ સાથે મતભેદની ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લિપકાર્ટના મેનેજમેન્ટ અને તેની પેરેન્ટ કંપની વોલમાર્ટ વચ્ચે IPOની સમયમર્યાદા અને રોડમેપને લઈને મતભેદ હોઈ શકે છે. ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો ધરાવતી વોલમાર્ટ કંપનીના નફા અને ભવિષ્યની વૃદ્ધિની વ્યૂહરચના અંગે વધુ સ્પષ્ટતા ઇચ્છે છે. IPO અંગે નિર્ણય લેતાં પહેલાં કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત બને તેવું વોલમાર્ટનું વલણ હોવાનું કહેવાય છે.જોકે, આ મતભેદોને કલ્યાણ કૃષ્ણમૂર્તિના રાજીનામા સાથે સત્તાવાર રીતે જોડવામાં આવ્યા નથી. ફ્લિપકાર્ટ કે વોલમાર્ટે પણ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
એક દાયકામાં ફ્લિપકાર્ટનો બિઝનેસ પાંચ ગણાથી વધુ વધ્યો
ફ્લિપકાર્ટે પોતાના સત્તાવાર નિવેદનમાં કલ્યાણ કૃષ્ણમૂર્તિના યોગદાનની પ્રશંસા કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં બિઝનેસ પાંચ ગણાથી વધુ વધ્યો હતો. આ સમયગાળા દરમિયાન ફ્લિપકાર્ટે ભારતની અગ્રણી ઈ-કોમર્સ કંપનીઓમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું.કંપનીએ ટેક્નોલોજી આધારિત અનેક નવા ઇનોવેશન અને સેવાઓ શરૂ કરી હતી. આ ઉપરાંત ગ્રાહકો અને વેચાણકર્તાઓ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. કલ્યાણ કૃષ્ણમૂર્તિના નેતૃત્વમાં કંપનીએ ગવર્નન્સ અને ઓપરેશનલ શિસ્ત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.
Big Billion Days સેલ ફ્લિપકાર્ટની ઓળખ બની
ફ્લિપકાર્ટે કલ્યાણ કૃષ્ણમૂર્તિના કાર્યકાળ દરમિયાન કંપનીની લોકપ્રિય 'ધ બિગ બિલિયન ડેઝ' (The Big Billion Days) સેલના વિસ્તરણને પણ મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. આ સેલ હવે ભારતમાં તહેવારોની ખરીદીની મોસમની ઓળખ બની ગઈ છે.કંપનીના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ઈ-કોમર્સ ક્ષેત્રે નવા બિઝનેસ, ઉદ્યોગસાહસિકો, વેચાણકર્તાઓ અને લાખો ગ્રાહકો માટે નવી તકો ઊભી થઈ હતી.
વોલમાર્ટે પણ કલ્યાણ કૃષ્ણમૂર્તિના યોગદાનની પ્રશંસા કરી
વોલમાર્ટ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને CEO ક્રિસ નિકોલસે કલ્યાણ કૃષ્ણમૂર્તિના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કલ્યાણના યોગદાનને કારણે ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ બંને વધુ મજબૂત બન્યાં છે.તેમણે કલ્યાણના નેતૃત્વ, કંપનીમાં સ્થાપિત કરેલી ગવર્નન્સ વ્યવસ્થા અને તેમના વિવિધ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમના આગામી સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.કલ્યાણ કૃષ્ણમૂર્તિના વિદાય બાદ હવે ફ્લિપકાર્ટની નવી લીડરશિપ, IPOની યોજના અને નફાકારકતા અંગે કંપની શું નિર્ણય લે છે તેના પર બજારની નજર રહેશે.
આ પણ વાંચોઃ World News: 14 દેશો પર અમેરિકાના નવા ટેરિફનો પ્રસ્તાવ, જાણો ભારત પર કેટલો લાગી શકે છે