અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વૈશ્વિક વેપાર નીતિ હેઠળ ભારત સહિત 14 દેશો અને અર્થવ્યવસ્થાઓ પર નવા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.આ પ્રસ્તાવ હેઠળ ભારત અને અન્ય છ એશિયાઈ અર્થવ્યવસ્થાઓ પર 25 ટકા સુધીનો વધારાનો અમેરિકન ટેરિફ લાગી શકે છે.અમેરિકા આ દેશો પર બજારની માંગ કરતાં વધુ ઉત્પાદન કરવાની નીતિ અપનાવવાનો આરોપ લગાવી રહ્યું છે.અહેવાલ મુજબ,અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક દેશો પર 20 ટકા સુધીનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ છે.વોશિંગ્ટનનો આરોપ છે કે આ દેશો પોતાની ઉત્પાદન ક્ષમતા અને ઔદ્યોગિક ઉત્પાદનને બજારની વાસ્તવિક માંગ કરતાં વધારે વધારી રહ્યા છે.આ નવા પ્રસ્તાવો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિનો ભાગ છે.

વૈશ્વિક વેપાર સંબંધોને નવેસરથી આકાર આપવા માગે છે

ટ્રમ્પ ટેરિફના માધ્યમથી વૈશ્વિક વેપાર સંબંધોને નવેસરથી આકાર આપવા માગે છે. આ સાથે જ તેઓ વેપારી ભાગીદાર દેશો પર અમેરિકન માલસામાનની ખરીદી વધારવા અથવા પોતાનું ઉત્પાદન અમેરિકા ખસેડવા માટે દબાણ કરી રહ્યા છે.અમેરિકાએ પોતાના વેપારી ભાગીદાર દેશોની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદન પદ્ધતિઓ અંગે કેટલાંક મહિનાઓ સુધી તપાસ કર્યા બાદ આ પ્રસ્તાવો રજૂ કર્યા છે.આ તપાસના દાયરામાં ભારત,બાંગ્લાદેશ, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, તાઇવાન, થાઇલેન્ડ, વિયેતનામ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.અમેરિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, ચીન પર 20 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ છે, જે જાહેર કરાયેલા દરોમાં સૌથી ઊંચા દરોમાંનો એક છે.

જાહેર પરામર્શની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે

આ પ્રસ્તાવિત ટેરિફ લાગુ કરતાં પહેલાં જાહેર પરામર્શની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે નવા ટેરિફના પ્રસ્તાવ તૈયાર કરતી વખતે હાલના વેપાર કરારોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.ચીન પર અગાઉથી લાગુ ટેરિફ ઉપરાંત વધારાના 20 ટકા ટેરિફનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ, બ્રાઝિલ પર પ્રસ્તાવિત ટેરિફ ફેરફારો અંગે 14 જાન્યુઆરી, 2027ના રોજ સુનાવણી યોજાશે.અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે બ્રાઝિલની કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.તેમાં વિમાનોનો પણ સમાવેશ થાય છે.વોશિંગ્ટનનો આરોપ છે કે બ્રાઝિલે અમેરિકાની વેપાર સંબંધિત ચિંતાઓ દૂર કરવા માટે જરૂરી પગલાં લીધાં નથી.

G20 સમિટ પહેલાં ટ્રમ્પની વેપાર નીતિથી વૈશ્વિક ચર્ચા તેજ

ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં ટેરિફને આર્થિક અને વેપાર નીતિના મુખ્ય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ નીતિના દાયરામાં અમેરિકાના મિત્ર દેશો અને હરીફ દેશો બંનેનો સમાવેશ થઈ રહ્યો છે.આ પ્રસ્તાવોની અસર ડિસેમ્બરમાં મિયામીમાં યોજાનારી G20 સમિટની ચર્ચાઓ પર પણ પડી શકે છે. આ સમિટમાં ટ્રમ્પ વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓના નેતાઓની યજમાની કરવાના છે.અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ ટેરિફની જાહેરાતોથી G20 સમિટ દરમિયાન રાજદ્વારી સંબંધો પર નકારાત્મક અસર થવાની આશંકા ફગાવી દીધી છે.વોશિંગ્ટનને એવી કોઈ અપેક્ષા નથી કે આ પ્રસ્તાવોથી દેશો વચ્ચે તણાવ કે કડવાશ ઊભી થશે.અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા સમિટ દરમિયાન પોતાના વેપારી ભાગીદાર દેશો સાથે વધુ વેપાર કરારો કરવાની પણ આશા રાખે છે.

આ પણ વાંચોઃ Rajkot News : જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચ કાંડમાં 1 અધિકારી સસ્પેન્ડ, બે સામે ખાતાકિય તપાસના આદેશ