રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચકાંડમાં મોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર આચરવાના કેસમાં ત્રણ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. જ્યારે એક અધિકારીને સસ્પેન્ડ કરાશે. આ ઉપરાંત બે અધિકારીઓ સામે ખાતાકિય તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મનપામાં સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી અને સ્ટોર ઈન્ચાર્જ સામે ખાતાકિય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો

જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા રૂ.2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સોંપવામાં આવ્યો છે.જોકે, રિપોર્ટ રજૂ થયા બાદ કમિશનર રજા પર ઉતરી જતાં મનપાના વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે.જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચમાં ખાણીપીણીનાં લાખો રૂપિયાનાં બિલ, વીડિયો શૂટિંગ અને ડ્રોનનાં બિલ ચર્ચામાં રહ્યાં છે.આ ઉપરાંત પાણીની બોટલો પાછળ થયેલો રૂ.22 લાખનો ખર્ચ પણ અગાઉ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.હવે મનપાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ થતાં અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. 

મનપાના જનરલ બોર્ડમાં પણ હલ્લાબોલ

તાજેતરમાં જ રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના નગરસેવકોએ જંગલેશ્વરમાં થયેલી ડિમોલિશનની કામગીરી તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલાં દબાણોના મુદ્દાને લઈને શાસક પક્ષ અને તંત્રને ઘેરવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો.વિપક્ષી સભ્યોએ હાથમાં બેનરો અને પોસ્ટરો દર્શાવીને કમિશનર તુષાર સુમેરા સામે આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ સમગ્ર હોબાળા અંગે ભાજપના નગરસેવક ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે જંગલેશ્વર ડીમોલેશન મુદ્દે કોંગ્રેસ દરેક જનરલ બોર્ડમાં વારંવાર પ્રશ્નો પૂછીને વિરોધ ઊભો કરે છે.તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટીપી રોડ ખુલ્લો કરવા માટે તેમજ આજી નદીનો પટ્ટ સંપૂર્ણપણે ખુલ્લો કરવાના વહીવટી હેતુથી જ આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું

આ પણ વાંચોઃ Gir Somnath News: તાલાલામાં ત્રણ સિંહોએ ઘરની સામે જ ગાયનું મારણ કર્યું, વંથલીમાં ખેતરમાં સાવજ પરિવારના ધામા