સૌરાષ્ટ્રમાં જંગલ વિસ્તારમાં વસતા સિંહ હવે રહેણાંક સુધી પહોંચી ગયા છે. રહેણાંકમાં દૂધાળા પશુઓ સહિત શ્વાનોનો શિકાર કરતા સિંહથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહના આંટાફેરા વધી રહ્યાં છે. ગીર સોમનાથના તાલાલા વિસ્તારમાં રાતના સમયે ફરતા સિંહથી લોકો ફફડી ઉઠ્યા છે. બામણાસામાં ત્રણ સિંહે એક ગાયનું મારણ કરવાની ઘટના પણ સામે આવી છે. રહેણાંકમાં ફરી રહેલા સિંહોને જંગલ વિસ્તારમાં છોડવા માટે સતત માગ કરવામાં આવી રહી છે.  

રહેણાંક વિસ્તારોમાં સિંહોની હાજરીથી લોકોમાં ભય

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં બામણાસામાં રાતના સમયે જ ધસી આવેલા સિંહોએ રહેણાંક વિસ્તારમાં જ એક ગાયનું મારણ કર્યું હતું. ઘરની સામે જ ત્રણ સિંહો એક ગાયને પકડી તેનું મારણ કરી રહ્યા હતાં. આ સમગ્ર બાબત સ્થાનિકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. સિંહોની મીજબાનીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.રહેણાંક વિસ્તારોમાં સિંહોની હાજરીથી લોકોમાં ભય ફેલાયો છે.

સિંહોએ ખુલ્લા ખેતરોમાં દોટ લગાવી હતી

બીજી તરફ જૂનાગઢના વંથલીના શાપુરમાં ધોળા દિવસે સિંહના આંટાફેરા જોવા મળ્યા છે.શ્લોક ફાર્મમાં એક સાથે ત્રણ સિંહોની લટાર જોવા મળી હતી. વાડલા બાદ આ સિંહ પરિવાર શાપુર પહોંચ્યો હતો. સિંહોએ ખુલ્લા ખેતરોમાં દોટ લગાવી હતી. સિંહ પ્રવેશ્યા હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમના કર્મચારીઓ ખેતર સુધી પહોંચ્યા હતાં. ખેતરમાં સિંહો ઘૂસતા ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે. રાતના સમયે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતોમાં ખેતર સુધી જવામાં પણ ડર લાગી રહ્યો છે.  

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 6 પ્રકારની થીમ સાથે તૈયાર થશે શોપિંગ ફેસ્ટિવલ સ્પોટ, જાણો ક્યારથી શરૂ થશે?