અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વેપાર,મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે શોપિંગ ફેસ્ટિવલ 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 25 ડિસેમ્બર 2026થી 17 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનારા આ 24 દિવસીય ઉત્સવમાં નાગરિકો વિવિધ વિસ્તારોમાં ખરીદીની સાથોસાથ ખાણીપીણી તેમજ મનોરંજનનો આનંદ માણી શકશે.આ આયોજનથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળશે. આ વર્ષના ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ 6 થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ રહેશે.જેને દેશની 6 પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.
7 મહત્વપૂર્ણ શોપિંગ હોટસ્પોટ પણ નક્કી કરાયા
શહેરમાં NID દ્વારા સિંધુભવન રોડ ખાતે ફેશન સ્ટ્રીટની આકર્ષક રચના કરવામાં આવશે.જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે NIFT દ્વારા વિશેષ ફ્લાવર સ્ટ્રીટ તૈયાર કરવામાં આવશે.નિકોલ વિસ્તારમાં CEPT યુનિવર્સિટીના સહયોગથી ક્રાફ્ટ સ્ટ્રીટ આકાર લેશે.જ્યારે વસ્ત્રાપુરમાં નિરમા યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ પાર્કની થીમ આધારિત ડિસ્ટ્રિક્ટ વિકસાવવામાં આવશે.અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા ઐતિહાસિક માણેકચોક અને રતનપોળ ખાતે હેરિટેજ પોલ સ્ટ્રીટ અને કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા સી.જી.રોડ ખાતે ભવ્ય જ્વેલરી સ્ટ્રીટની સુંદર ડિઝાઇન તૈયાર કરાશે.શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને આધુનિક ડિઝાઇન કૌશલ્યનો ઉપયોગ કરીને નાગરિકો માટે ખરીદીનો યાદગાર માહોલ તૈયાર કરવાનો આ મુખ્ય પ્રયાસ છે.શોપિંગ ફેસ્ટિવલના વ્યાપને શહેરમાં વિસ્તારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 મહત્વપૂર્ણ શોપિંગ હોટસ્પોટ પણ નક્કી કરવામાં આવ્યા છે.
