લોકોમાં ઓનલાઈન ફૂડ મંગાવવાનું ચલણ વધ્યું છે. પરંતુ આ વસ્તુ કયારેક નુકસાનકારક બની શકે છે. સ્વીગી, ઝમેટોની ઓનલાઈન ફૂડ સર્વિસમાં ગ્રાહકોની ફરિયાદ વધવા લાગી છે. તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ નિયમના ઉલ્લંઘન બદલ સ્વિગી ઇન્સ્ટામાર્ટને કુલ 9 નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી ગ્રાહકો તરફથી મળેલી સતત ફરિયાદોના આધારે કરવામાં આવી છે, જેમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્વીગી સામે FSSAIના આ કડક વલણથી ઓનલાઈન ફૂડ ડિલિવરી ક્ષેત્રમાં મોટી હલચલ મચી છે. 

કઈ ફરિયાદોને કારણે સ્વિગીને ફટકારી નોટીસ

  • FSSAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસોમાં ઘણી ગંભીર બાબતો સામે આવી છે.
  • ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે તેમને એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા, સડેલા, દુર્ગંધયુક્ત અને દૂષિત ખાદ્ય પદાર્થો પહોંચાડવામાં આવ્યા હતા.
  • અક્ષયકલ્પ ઓર્ગેનિક ઇંડા સડેલા અને દુર્ગંધ મારતા હોવાની ફરિયાદો મળી હતી. હેલ્થીફાઇ ૧૦૦% વ્હી પ્રોટીન અને નોઇસ હોમ સ્ટાઇલ મદ્રાસ મિક્સચર જેવા ઉત્પાદનો એક્સપાયરી ડેટ પછી પણ ગ્રાહકોને મળ્યા હતા.
  • કાકે દા પરાઠા ખરાબ અને દુર્ગંધયુક્ત સ્થિતિમાં મળ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
  • ખામીયુક્ત શિશુ ખોરાક (Infant food) ના કિસ્સામાં, ગ્રાહકે ઉત્પાદન પરત કરવા છતાં ફરીથી ખામીયુક્ત ઉત્પાદન જ મોકલવામાં આવ્યું હતું.
  • કેટલીક પ્રોડક્ટ્સ (જેમ કે 'નોઇઝી એગ્સ') કંપનીના હાલના FSSAI લાઇસન્સમાં સામેલ નહોતી. ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં ખોટા અથવા અમાન્ય FSSAI લાઇસન્સ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદ કર્યા પછી પણ કોઈ સંતોષકારક જવાબ કે સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નહોતા. ઘણીવાર માત્ર રિફંડ આપીને કેસ બંધ કરી દેવામાં આવતો હતો, પરંતુ ખાદ્ય સુરક્ષાનો મુદ્દો ઉકેલાતો નહોતો.

FSSAI ની સ્વિગી પાસે કરી આ માંગ

FSSAI એ કંપની પાસેથી તમામ આરોપો પર એક વિગતવાર અને દસ્તાવેજીકૃત જવાબ માંગ્યો છે. ઓથોરિટીએ નીચે મુજબની બાબતો પર સ્પષ્ટતા માંગી છે.  ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક રોટેશન, સ્ટોરેજ, હેન્ડલિંગ અને ખાદ્ય સુરક્ષા દેખરેખ અંગે સંપૂર્ણ માહિતી. દરેક ઘટના કેમ બની તેનું વિશ્લેષણ અને તેને રોકવા માટે લેવામાં આવેલા ભવિષ્યના પગલાં. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે લેવાયેલા પગલાંની વિગતો.

ગ્રાહકોની ફરિયાદ FSSAIની કડક ચેતવણી

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે જો સ્વિગી ઇન્સ્ટામાર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક પાલન અહેવાલ (Compliance Report) સબમિટ કરવામાં નિષ્ફળ જશે, તો કંપની સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006' હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : Gautam Adani સહિત અનેક દિગ્ગજોની નજર આ કંપની પર, 1500 કરોડમાં થઈ શકે છે ડિલ