રસોડામાં વપરાતું ઘી અને માખણ દિવસે ને દિવસે મોંઘા થઈ રહ્યા છે. તહેવારોમાં મીઠાઈઓ બનાવવાથી લઈને રોજિંદા ખોરાક સુધી વપરાતા ઘીના ભાવ વધવાથી સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર પડી રહી છે. અમૂલ જેવી દિગ્ગજ ડેરી કંપનીઓએ પણ તાજેતરમાં પોતાના ઘી અને માખણના ભાવ વધારી દીધા છે. દેશમાં દૂધનું ઉત્પાદન વધી રહ્યું હોવા છતાં ઘી અને માખણ કેમ મોંઘા થઈ રહ્યા છે તે પાછળ કેટલાક મુખ્ય વેપારી અને ટેકનિકલ કારણો જવાબદાર છે.
ઘી અને માખણના ભાવમાં વધારો
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા ગાયના ઘી અને માખણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 2 નવેમ્બર, 2026થી અમલમાં આવેલા નવા દર મુજબ, 1 લિટર અમૂલ ગાયના ઘીની કિંમત ₹695 થી વધીને ₹735 (₹40 નો વધારો) થઈ ગઈ છે. આ ઉપરાંત, 500 ગ્રામ ટેબલ બટરના પેકની કિંમત ₹310 થી વધીને ₹325 (₹15 નો વધારો) થઈ છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી છે.
દૂધનું ઉત્પાદન વધ્યું, પરંતુ 'ફેટ' (ચરબી) ની સર્જાઈ અછત
સામાન્ય રીતે દેશમાં દૂધનું ઉત્પાદન વધે ત્યારે ડેરી પ્રોડક્ટ્સના ભાવ સ્થિર રહેતા હોય છે. વર્ષ ૨૦૧૬માં ભારતમાં દૂધનું ઉત્પાદન ૧૬૫.૧ મિલિયન ટન હતું, જે 2025 સુધીમાં વધીને 216.5 મિલિયન ટન થવાનો અંદાજ છે. આમ છતાં, ડેરી કંપનીઓ દૂધમાં રહેલી ચરબી (Fat) ની અછતનો સામનો કરી રહી છે. ઘી અને માખણ બનાવવા માટે પૂરતી ચરબી જરૂરી હોય છે, પરંતુ દૂધનું ઉત્પાદન વધવા છતાં તેમાં ફેટનું પ્રમાણ ઓછું મળતું હોવાથી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.
માખણ અને દૂધના પાવડરમાં કેટલો ભાવવધારો થયો?
ઓક્ટોબર 2023 થી ઓક્ટોબર 2026 વચ્ચેના ત્રણ વર્ષના સમયગાળામાં ડેરી સ્તરે માખણના સરેરાશ ભાવ ₹348 પ્રતિ કિલોથી વધીને ₹537 પ્રતિ કિલો થઈ ગયા છે, જે આશરે 54.3 ટકાનો મોટો ઉછાળો દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન સ્કિમ્ડ મિલ્ક પાવડર (SMP) ના ભાવ ₹250થી વધીને ₹295 પ્રતિ કિલો થયા છે, જેમાં આશરે 18 ટકાનો વધારો નોંધાયો છે.
GST દરમાં ઘટાડો બન્યો માંગ વધવાનું કારણ
22 સપ્ટેમ્બર, 2025થી ઘી, માખણ અને પનીર પરનો GST દર 12% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો હતો, જ્યારે આઈસ્ક્રીમ પરનો GST 18% થી ઘટાડીને 5% કરાયો હતો. GST ઘટવાને કારણે આ ડેરી પ્રોડક્ટ્સ સસ્તા થતાં જ બજારમાં તેમની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો. શુદ્ધ ચરબીવાળા ઉત્પાદનોની માંગ અચાનક વધતા પુરવઠા સામે ખેંચાણ ઊભું થયું અને પરિણામે ઘી-માખણના ભાવ વધી ગયા.
FSSAI ની કડકાઈ અને નકલી ઘી સામે ઝુંબેશ
તિરુપતિ મંદિરના લાડુ વિવાદ બાદ, સપ્ટેમ્બર ૨૦૨૪ થી FSSAI અને રાજ્ય ખાદ્ય સુરક્ષા વિભાગોએ ભેળસેળયુક્ત ઘી અને નકલી પનીર બનાવનારાઓ સામે સખત કાર્યવાહી શરૂ કરી હતી. બજારમાંથી નકલી અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો દૂર થતાં ગ્રાહકોનો વિશ્વાસ બ્રાન્ડેડ અને શુદ્ધ ડેરી ઉત્પાદનો તરફ વધ્યો છે. આ કારણોસર શુદ્ધ દૂધ અને ઉચ્ચ ચરબી ધરાવતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની માંગમાં મોટો વધારો થયો છે, જેણે પણ ભાવવધારામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today: ક્રૂડની કિંમતમાં ઘટાડો, શું સસ્તું થયું પેટ્રોલ ડીઝલ?