જો તમે પણ બેંકમાં સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન લો છો, તો આ કિસ્સો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શિમલામાં બેંક અને ગ્રાહક વચ્ચેનો એક ગંભીર વિવાદ સામે આવ્યો હતો, જ્યાં ગ્રાહકે બેંક પર વિશ્વાસ રાખીને પોતાના કિંમતી સોનાના દાગીના ગીરવે મૂકીને લોન મેળવી હતી. પરંતુ લોન લીધાના થોડા સમય બાદ બેંકે આશ્ચર્યજનક રીતે તે સોનાને 'નકલી' જાહેર કરી દીધું હતું. આ કેસ ગ્રાહક આયોગ (Consumer Commission) સુધી પહોંચતા, આયોગે બેંકની સેવામાં ખામી અને અન્યાયી વેપાર નીતિ બદલ તેને જવાબદાર ઠેરવીને ગ્રાહકના પક્ષમાં ચૂકાદો આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

આ કેસ હિમાચલ પ્રદેશના શિમલાનો છે. ગ્રાહકે અલગ-અલગ સમયે બેંકમાંથી સોનાના દાગીના જમા કરાવીને ત્રણ લોન લીધી હતી. વર્ષ 2022 માં 3.98 લાખ, માર્ચ 2023 માં 3.98 લાખ અને એપ્રિલ 2023 માં 6.42 લાખની લોન મેળવવામાં આવી હતી. ગ્રાહકના જણાવ્યા અનુસાર, દરેક વખતે બેંકના અધિકૃત નિષ્ણાતો (Valuers) દ્વારા દાગીનાનું વજન અને શુદ્ધતા ચકાસ્યા બાદ જ લોન મંજૂર કરાઈ હતી.

ગ્રાહકની ગેરહાજરીમાં ફરી તપાસ કરી સોનું 'નકલી' જાહેર કરાયું

જુલાઈ 2023 માં, બેંકે ગ્રાહકને અચાનક જાણ કરી કે આંતરિક તપાસ દરમિયાન ગીરવે મુકેલા દાગીના નકલી હોવાનું બહાર આવ્યું છે અને 10.95 લાખની બાકી લોન રકમ વ્યાજ સહિત પરત ચૂકવવા નોટિસ પાઠવી. ગ્રાહકે આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે આ તપાસ તેની ગેરહાજરી અને જાણ વગર કરવામાં આવી હતી. ગ્રાહકે ચિંતા વ્યક્ત કરી હતી કે બેંકની કસ્ટડીમાં હોવા દરમિયાન દાગીના સાથે છેડછાડ થઈ હોઈ શકે છે.

બેંકે જૂના મૂલ્યાંકનકાર પર દોષનો ટોપલો ઢોળ્યો

પોતાના બચાવમાં બેંકે રજૂઆત કરી હતી કે આંતરિક ઓડિટ દરમિયાન અધિકૃત મૂલ્યાંકનકાર દ્વારા તપાસ કરવામાં આવતા દાગીના નકલી મળ્યા હતા. બેંકે શરૂઆતમાં દાગીનાની ચકાસણી કરનાર જૂના વેલ્યુઅરને દોષી ઠેરવી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું.

ગ્રાહક આયોગનો કડક ચુકાદો અને RBI નિયમોનો ઉલ્લેખ

શિમલા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે 23 સપ્ટેમ્બરના રોજ આદેશ આપતા બેંકને સેવામાં ખામી માટે દોષી ઠેરવી હતી. પંચે 29 સપ્ટેમ્બર 2025ના ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિર્દેશોનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ કર્યું કે આંતરિક ઓડિટ સમયે સોનાની ચકાસણી કરી શકાય છે, પરંતુ તેના માટે લોન કરાર વખતે જ ગ્રાહકની લેખિત સંમતિ હોવી જરૂરી છે. બેંક એવી સંમતિ સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી.

બેંકને 14.5 લાખ ચૂકવવાનો હુકમ

ગ્રાહક આયોગે બેંકને 22 કેરેટ સોનાના 103 ગ્રામના વર્તમાન બજાર મૂલ્ય જેટલી રકમ (આશરે 14 લાખ), ગ્રાહકને થયેલી માનસિક અગવડતા માટે 30,000નું વળતર અને મુકદ્દમા ખર્ચ તરીકે 20,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આમ, ગ્રાહકને આશરે કુલ 14.5 લાખની મોટી રાહત મળી હતી.


આ પણ વાંચો : Gold Silver Today: સોનામાં 4000 તો ચાંદીમાં ₹11,521નો ઘટાડો ! જાણો તહેવારો પહેલા સોના ચાંદીમાં કેટલા ઘટ્યા