ભારતીય રિઝર્વ બેંકે (RBI) એક મોટું વ્યૂહાત્મક પગલું ભરતા માર્ચ 2026 સુધીમાં વિદેશમાં રાખવામાં આવેલ આશરે 104 ટન સોનું ભારત પરત મંગાવી લીધું છે. આ ખજાનો હવે દેશની સુરક્ષિત તિજોરીઓમાં છે. જોકે, સામાન્ય માણસ માટે ઝવેરી બજારમાં ઘરેણાંની કિંમતો પર આની કોઈ અસર પડશે નહીં; આ માત્ર સંગ્રહના સ્થળનો ફેરફાર છે.
સોનાનો વિશાળ જથ્થો દેશમાં સુરક્ષિત
ભારતીય રિઝર્વ બેંકે હાલમાં જ વિદેશમાં રાખેલા પોતાના 104.23 મેટ્રિક ટન સોનાને ભારત પરત મંગાવ્યું છે. માર્ચ 2026 માં પૂરા થયેલા છ મહિના દરમિયાન આ વિશાળ જથ્થો દેશની તિજોરીઓમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યો છે. સામાન્ય માણસના મનમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે જ્યારે આટલું બધું સોનું દેશમાં આવી ગયું છે, તો શું બજારમાં સોનાના ભાવ ઘટી જશે? શું હવે લગ્ન-પ્રસંગ માટે ઘરેણાં ખરીદવા સસ્તા થશે?
સુવર્ણ ભંડારમાં મામૂલી વધારો નોંધાયો છે
સેન્ટ્રલ બેંકના રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતના કુલ સુવર્ણ ભંડારમાં મામૂલી વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2025 માં આ આંકડો 880.18 મેટ્રિક ટન હતો, જે માર્ચ 2026 સુધીમાં વધીને 880.52 મેટ્રિક ટન થઈ ગયો છે. અસલી ફેરફાર સોનાની કુલ માત્રામાં નહીં, પણ તેના સરનામાં (સ્થળ) માં થયો છે. માર્ચ 2026 સુધીમાં દેશની અંદર સુરક્ષિત રાખવામાં આવેલા સોનાનો આંકડો 290.37 મેટ્રિક ટન નોંધાયો છે. આ અગાઉ સપ્ટેમ્બર 2025 માં તે 575.82 મેટ્રિક ટન અને માર્ચ 2025 માં 511.99 મેટ્રિક ટન હતો.
બહાર શા માટે રાખવામાં આવે છે સોનું?
એ વાત રસપ્રદ છે કે RBI પોતાનું બધું જ સોનું દેશની અંદર રાખતી નથી. માર્ચ 2026 ના આંકડા મુજબ, 197.67 મેટ્રિક ટન સોનું 'બેંક ઓફ ઈંગ્લેન્ડ' અને 'બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ' (BIS) ની સેફ કસ્ટડીમાં હતું. આ સિવાય 2.80 મેટ્રિક ટન સોનું ‘ગોલ્ડ ડિપોઝિટ’ તરીકે વિદેશી તિજોરીઓમાં રાખવામાં આવ્યું હતું. આની પાછળ એક મજબૂત આર્થિક વ્યૂહરચના કામ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું રાખવાથી લિક્વિડિટી એટલે કે રોકડ પ્રવાહ સુનિશ્ચિત થાય છે. વિશ્વ બજારમાં સોનાનું ટ્રેડિંગ સક્રિય રહે છે, તેથી કટોકટીના સમયે આ સોનાને વિદેશી ધરતી પર ગીરો મૂકીને તરત જ ડોલર મેળવવાનું સરળ બને છે. બીજી તરફ, મોટા હિસ્સાને પોતાના દેશમાં પાછો લાવવાથી વ્યૂહાત્મક નિયંત્રણ મજબૂત થાય છે અને સિસ્ટમ પર વિશ્વાસ વધે છે.
ડોલર અને રોકાણનો બદલાતો ટ્રેન્ડ
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ સતત ઊંચાઈ પર છે. આ તેજીની સીધી અસર ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર પણ જોવા મળી છે. છેલ્લા છ મહિનામાં ભારતના કુલ ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો 13.92 ટકાથી વધીને 16.7 ટકા થઈ ગયો છે. રિપોર્ટ મુજબ, ભારતની કુલ 552.28 અબજ ડોલરની વિદેશી મુદ્રા સંપત્તિઓમાંથી મોટો હિસ્સો, એટલે કે 465.61 અબજ ડોલર વિદેશી સિક્યોરિટીઝમાં રોકાયેલ છે. આ ઉપરાંત 46.83 અબજ ડોલર અન્ય કેન્દ્રીય બેંકો અને BIS માં જમા છે, જ્યારે 39.84 અબજ ડોલર વિદેશી વાણિજ્યિક બેંકોના ખાતામાં છે. આ વખતે રોકાણના પેટર્નમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં સિક્યોરિટીઝ અને વિદેશી બેંકોમાં જમા રકમ થોડી ઓછી થઈ છે અને અન્ય કેન્દ્રીય બેંકોમાં જમા રકમ વધી છે.
શું સસ્તા થશે સોનાના ભાવ?
શું આ મોટા પગલાથી સોનાના ભાવ ઘટશે? તેનો સીધો જવાબ છે- ના. આ પગલું સંપૂર્ણપણે RBI નો એક વ્યૂહાત્મક અને લોજિસ્ટિક નિર્ણય છે. બજારમાં સોનાની કિંમતો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ, અમેરિકી ડોલરની ચાલ, વ્યાજ દરો, મોંઘવારી અને ભૌગોલિક-રાજકીય તણાવની સાથે ગ્લોબલ ડિમાન્ડ-સપ્લાયથી નક્કી થાય છે. રિઝર્વ બેંકે આ પ્રક્રિયામાં કોઈ નવું સોનું બજારમાં વેચ્યું નથી કે ખરીદ્યું નથી. આ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવેલ ફિઝિકલ ટ્રાન્સફર છે. તેથી, સામાન્ય માણસ માટે બજારની કિંમતો પર આની કોઈ અસર પડશે નહીં.
આ પણ વાંચો:Dhaka Gang War:બાંગ્લાદેશનું ઢાકા બન્યું લ્યારી, 127 સક્રિય ગેંગ સક્રિય,કુહાડી-ધારદાર હથિયારોથી કરે છે હત્યા