ભારતીય અર્થતંત્ર માટે જૂન 2026નો મહિનો અત્યંત આશાસ્પદ સાબિત થયો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, દેશનું કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ₹1.94 લાખ કરોડ (₹1,94,812 કરોડ) ના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ આંકડામાં 13.9 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો છે, જે દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં આવેલા વેગ અને બજારમાં રહેલી મજબૂત માંગનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે.
જીએસટી કલેક્શનમાં થયો જોરદાર વધારો
જ્યારે બજારમાં ખરીદ-વેચાણ વધે અને વ્યવસાયો વિસ્તરે, ત્યારે જ સરકારની તિજોરીમાં કરની આવક વધે છે. જૂન મહિનાના આ આંકડા માત્ર કુલ સંગ્રહ માટે જ નહીં, પરંતુ ચોખ્ખી આવક (Net Revenue) માટે પણ પ્રભાવશાળી રહ્યા છે. તમામ રિફંડ જાહેર કર્યા પછી, સરકારની ચોખ્ખી GST આવક ₹1,62,377 કરોડ રહી છે, જે વાર્ષિક ધોરણે ૧૧.૨ ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન સરકારે વ્યવસાયિકોને ₹32,436 કરોડનું રિફંડ પણ ચૂકવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 29.1 ટકા વધુ છે. આ દર્શાવે છે કે સરકાર કરદાતાઓને સમયસર રિફંડ આપીને વ્યવસાયિક સરળતા (Ease of Doing Business) જાળવી રાખવા માટે પણ પ્રતિબદ્ધ છે.
સરકારી તિજોરીમાં ₹60,038 કરોડનો ફાળો મળ્યો
કરના વિવિધ ઘટકો પર નજર કરીએ તો, સેન્ટ્રલ GST (CGST) ₹37,376 કરોડ (૮ ટકા વધારો) અને રાજ્ય GST (SGST) ₹45,116 કરોડ (4 ટકા વધારો) રહ્યો છે. આ મહિનાના કલેક્શનનું સૌથી મોટું આકર્ષણ આયાતી માલ પરનો IGST રહ્યો છે. આયાત પરના IGSTમાં 34.6 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે, જેનાથી સરકારી તિજોરીમાં ₹60,038 કરોડનો સીધો ફાળો મળ્યો છે. સ્થાનિક વ્યવહારોમાંથી મળેલો GST પણ ₹1,34,774કરોડ (6.5 ટકા વધારો) રહ્યો છે, જે દર્શાવે છે કે આયાત અને સ્થાનિક વપરાશ બંને મોરચે દેશનું અર્થતંત્ર ખૂબ જ ગતિશીલ બની રહ્યું છે.
વધેલી આવક દેશના વિકાસ માટે મહત્વનું સાધન
આ વધેલી આવક માત્ર સરકારી આંકડાઓ નથી, પરંતુ તે દેશના માળખાગત વિકાસના પ્રોજેક્ટ્સને વેગ આપવા માટેનું એક મહત્વનું સાધન છે. આ સકારાત્મક વલણ સૂચવે છે કે ભારતીય બજારમાં સ્થિરતા છે અને આગામી દિવસોમાં પણ આર્થિક વૃદ્ધિની આ ગતિ જળવાઈ રહેશે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા દેશના ઉદ્યોગ જગત અને સામાન્ય નાગરિકો માટે આશાનું કિરણ લઈને આવ્યા છે.
આ પણ વાંચોઃ Venezuela માં મૃત્યુ પામેલા નાવિકના મૃતદેહ ભારત આવ્યો ,પણ અંગો ક્યાં ગાયબ થયા?