મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ના 100 વર્ષની ઉજવણીનો ગૌરવપૂર્ણ પ્રારંભ કરાવ્યો હતો. ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આઝાદીના અમૃતકાળમાં આત્મનિર્ભરતા તરફ વેગથી આગળ વધી રહ્યું છે, ત્યારે ફિક્કીની શતાબ્દી ઉજવણી એ એક નોંધપાત્ર સીમાચિહ્ન છે.
ગુજરાતના અર્થતંત્રને 3.5 ટ્રિલિયન યુએસ ડોલર લઇ જવાનું લક્ષ્ય
મુખ્યમંત્રીએ ગુજરાતની આર્થિક તાકાતનો ચિતાર આપતા કહ્યું કે, ગુજરાત દેશના જીડીપીમાં 8.3% અને નિકાસમાં 27% યોગદાન સાથે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે 'વિકસિત ગુજરાત @2047'ના રોડમેપ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું લક્ષ્ય 2047 સુધીમાં ગુજરાતના અર્થતંત્રને 3.5 ટ્રિલિયન યુએસ ડોલર સુધી લઈ જવાનું છે. આ માટે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ગ્રીન ગ્રોથ જેવા ઈમર્જીંગ સેક્ટર્સ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાણંદમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ અને ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સેલન્સ રાજ્યને ગ્લોબલ હબ બનાવશે.
મહિલા સ્ટાર્ટઅપ્સ માટે 'હર સ્ટાર્ટ' કાર્યરત
સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના 'વિમેન લેડ ડેવલપમેન્ટ'ના વિઝનને સાકાર કરવા ગુજરાતમાં મહિલા સ્ટાર્ટઅપ્સ માટે 'હર સ્ટાર્ટ' (Her Start) પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે. ફિક્કીના અધ્યક્ષ અનંત ગોએન્કાએ પણ ગુજરાતની ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ અને ફિક્કીના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ગુજરાતને વિશ્વના ઉદ્યોગો માટે 'મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન' ગણાવ્યું હતું.
ગુજરાત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્ત્વનો હિસ્સો
આ માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર, એ.આઈ. અને ગ્રીન ગ્રોથ જેવા ઇમર્જિંગ સેક્ટર્સ પર ફોકસ કર્યું છે. તાજેતરમાં જ સાણંદમાં વડાપ્રધાનના હસ્તે શરૂ કરાયેલા બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ દ્વારા ગુજરાત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્ત્વનો હિસ્સો બનશે. એટલુ જ નહિ, ગિફ્ટ સિટીમાં કાર્યરત AI સેન્ટર ઑફ એક્સેલન્સ, ડેટા સેન્ટર અને ફિનટેક રાજ્યને વિવિધ ઈમર્જિંગ સેક્ટર્સમાં વધુ મજબૂત બનાવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી, જી.સી.સી. પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી પોલિસી ડ્રિવન સ્ટેટ અને વિશ્વના ઉધોગો માટે 'મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન' બન્યું છે. આજે વિશ્વની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ
FICCIના અધ્યક્ષ અનંત ગોએન્કાએ શતાબ્દીના લોન્ચપેડ તરીકે અમદાવાદની વ્યૂહાત્મક પસંદગી વિશે વાત કરતાં રાજ્યના ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ અને ખાનગી સાહસો વચ્ચેનો સમન્વય દેશના અન્ય રાજ્યો માટે પણ બ્લૂપ્રિન્ટ (નકશા) તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે ગુજરાતે સાબિત કર્યું છે કે કેવી રીતે રાજ્ય સરકારની નીતિઓ આર્થિક લેન્ડસ્કેપને બદલી શકે છે. જેમ સમગ્ર દેશ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, તેમ FICCI પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ, સેવાઓ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો---- Aravalli : શિક્ષણના ધામમાં 'નશાખોર' ગુરુજી, મોડાસાની શાળામાં દારૂ ઢીંચીને આવેલા શિક્ષકનો વીડિયો વાયરલ