ટોરેન્ટ પાવરે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરનાં પરિણામો જાહેર કર્યાં છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન કંપનીની આવક અને નફામાં વધારો નોંધાયો છે. કંપનીની કન્સોલિડેટેડ આવક 24% વધીને ₹9,801.58 કરોડ થઈ છે. જ્યારે ટેક્સ બાદનો નફો વધીને ₹837.96 કરોડ નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹741.55 કરોડ હતો. કંપનીએ 4 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલા પરિણામો અનુસાર, સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કામગીરીમાંથી કુલ આવક ₹9,801.58 કરોડ રહી હતી. ગયા વર્ષના સમાન ગાળામાં આ આવક ₹7,876 કરોડ હતી. એટલે કે કંપનીની આવકમાં આશરે 24.4%નો વધારો થયો છે.
EBITDAમાં 26%નો વધારો
કંપનીના પ્રેસ રિલીઝ પ્રમાણે, બીજા ક્વાર્ટરમાં EBITDA 26% વધીને ₹1,988 કરોડ થયું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં EBITDA ₹1,584 કરોડ હતું. કંપનીએ જણાવ્યું છે કે ક્વાર્ટર દરમિયાન Adjusted EBITDAમાં 29%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ વૃદ્ધિ પાછળ કંપનીના ડિસ્ટ્રિબ્યુશન અને રિન્યુએબલ એનર્જી બિઝનેસની સારી કામગીરી તેમજ નાભા એક્વિઝિશનનો સમાવેશ મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે. Adjusted EBITDAમાં નાભા એક્વિઝિશન સંબંધિત ₹54 કરોડની પ્રિન્સિપલ રિકવરીની અસર પણ સામેલ છે.
કંપનીનો નફો ₹838 કરોડે પહોંચ્યો
કન્સોલિડેટેડ નાણાકીય પરિણામો અનુસાર, બીજા ક્વાર્ટરમાં ટેક્સ પહેલાંનો નફો ₹1,130.73 કરોડ રહ્યો છે. ગયા વર્ષના સમાન ગાળામાં આ આંકડો ₹979.10 કરોડ હતો. જ્યારે ટેક્સ બાદનો નફો ₹837.96 કરોડ નોંધાયો છે, જે ગયા વર્ષના ₹741.55 કરોડની સરખામણીએ આશરે 13% વધારે છે. કંપનીની પ્રતિ શેર કમાણી (EPS) પણ વધી છે. બીજા ક્વાર્ટરમાં બેઝિક અને ડાયલ્યુટેડ EPS બંને ₹16.28 નોંધાયા છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો ₹14.36 હતો.
છ મહિનામાં આવક ₹17,926 કરોડ
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ટોરેન્ટ પાવરની કામગીરીમાંથી આવક ₹17,925.73 કરોડ રહી છે. કંપનીના પ્રેસ રિલીઝ પ્રમાણે, ગયા વર્ષના સમાન ગાળામાં આવક ₹15,782 કરોડ હતી. આ રીતે છ મહિનાની આવકમાં 14%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ ટેક્સ બાદનો નફો ₹1,499.81 કરોડ રહ્યો છે. જ્યારે પ્રતિ શેર કમાણી ₹28.95 નોંધાઈ છે.
ડિસ્ટ્રિબ્યુશન અને રિન્યુએબલ એનર્જી બિઝનેસનો ફાળો
કંપનીના જણાવ્યા પ્રમાણે, ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં સુધારેલી કામગીરી અને રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાંથી મળેલા સારા પરિણામોને કારણે આવકમાં વધારો થયો છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પ્લાન્ટ લોડ ફેક્ટરમાં સુધારો અને શરૂ થયેલા નવા પ્રોજેક્ટ્સનો પણ ફાળો રહ્યો છે. નાભા એક્વિઝિશનથી પણ કંપનીને વધારાનું યોગદાન મળ્યું છે. જોકે, વધેલા ઉધારને કારણે ફાઇનાન્સ ખર્ચમાં વધારો થયો હોવાનું કંપનીએ જણાવ્યું છે.
ટોરેન્ટ પાવર પાસે કુલ 6.8 GWpની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા છે. તેમાં 2.7 GW ગેસ આધારિત, 2.3 GWp રિન્યુએબલ અને 1.8 GW કોલસા આધારિત ક્ષમતાનો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આશરે 4.3 GWpના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ, 3 GWની પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા અને 1.6 GWની કોલસા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે.
કંપની ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR સહિત મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વીજળીનું વિતરણ કરે છે. કંપની આશરે 42.9 લાખ ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે.
આ પણ વાંચો: LIC Claim Dispute: ટાઇપ 2 ડાયાબિટીસ છુપાવવા પર LIC પોલીસીની રકમ મળે કે ના મળે... જાણો મામલો