ગુજરાતના અમદાવાદમાં એક મોટી હવાઈ દુર્ઘટના બની. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું.
એર ઈન્ડિયાના વિમાન AI-171માં 242 મુસાફરો સવાર હતા. આ મોટી દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. આ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી તેનું ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર હટાવી દીધું છે. એર ઈન્ડિયાએ તેનો લોગો બ્લેક કરી દીધો છે.
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાનું વિમાન AI-171 બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન લગભગ 10 વર્ષ જૂનું હતું.
આ વિમાન ગુરુવારે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી અને 1:40 વાગ્યે ક્રેશ થયું હતું. વિમાન પડતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. અકસ્માત સમયે વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે.
ટેકઓફ પછી તરત જ થયો અકસ્માત
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના જણાવ્યા મુજબ "એર ઈન્ડિયાની ફ્લાઈટે અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભર્યા પછી તરત જ તકલીફ (મેડે) સિગ્નલ મોકલ્યો હતો. ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ ફરીથી વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. વિમાન 625 ફૂટની બેરોમેટ્રિક ઊંચાઈએ પહોંચ્યું અને પછી -475 ફૂટ પ્રતિ મિનિટની ઊભી ઝડપે નીચે ઉતરવાનું શરૂ કર્યું."

DGCAના જણાવ્યા મુજબ "દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાયલોટ ઈન કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલને 8,200 કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો, જ્યારે કો-પાયલોટ ક્લાઇવ કુંદરે અત્યાર સુધીમાં લગભગ 1,100 કલાક ઉડાન ભરી હતી. ઘટના પછી, રાહત અને બચાવ માટે ગાંધીનગરથી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની ત્રણ ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ સિવાય બચાવમાં મદદ કરવા માટે વડોદરાથી વધુ ત્રણ ટીમો પણ મોકલવામાં આવી હતી, એટલે કે કુલ છ ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે."
અમદાવાદ આવશે પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે અને અકસ્માત અંગે પૂછપરછ કરી છે. મંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે તેઓ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે અને પરિસ્થિતિ વિશે નિયમિત અપડેટ રાખવા જણાવ્યું છે. તમામ સંબંધિત એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપી સાથે વાત કરી છે. તેમને વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક માહિતી લીધી છે. અમિત શાહે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.