સરકારી ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ જૂન ક્વાર્ટરમાં બજારની અપેક્ષા કરતાં સારા પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નેટ પ્રોફિટ, રેવન્યુ અને EBITDAમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. પરિણામ જાહેર થયા બાદ HALના શેરમાં પણ તેજી જોવા મળી હતી.
કંપનીની આવક પણ 14.4 ટકા વધી
જૂન ક્વાર્ટરમાં HALનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 14.7 ટકા વધીને રૂ. 1,580 કરોડ થયો છે. બજારને કંપનીના નફા અંગે રૂ. 1,493 કરોડનો અંદાજ હતો. આ રીતે કંપનીએ નફાના મામલે બજારની અપેક્ષાને પાછળ છોડી છે. કંપનીની આવક પણ 14.4 ટકા વધીને રૂપિયા 5,515 કરોડ થઈ છે. બીજી તરફ, જૂન ક્વાર્ટરમાં EBITDA 18.8 ટકા વધીને રૂ. 1,529 કરોડ થયો છે, જ્યારે બજારનો અંદાજ રૂ. 1,358 કરોડનો હતો.
કેટલો છે શેરનો ભાવ?
HALનો EBITDA માર્જિન પણ સુધર્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 26.6 ટકા રહેલો માર્જિન વધીને 27.7 ટકા થયો છે. બજારને 25.8 ટકાના માર્જિનની અપેક્ષા હતી. પરિણામોની જાહેરાત બાદ 12 ઓગસ્ટે HALના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો અને NSE પર શેરે દિવસ દરમિયાન રૂ. 5,055ની ઊંચી સપાટી બનાવી હતી. જોકે ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બપોરે 2:55 વાગ્યે શેર 1.26 ટકા વધીને રૂ. 4,971 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
HAL ભારતની સરકારી એરોસ્પેસ અને ડિફેન્સ કંપની છે. તે સેનાના ત્રણેય દળો માટે વિમાન, હેલિકોપ્ટર, એન્જિન અને વિવિધ એરોસ્પેસ સિસ્ટમ બનાવે છે. કંપની વિમાન, હેલિકોપ્ટર અને એન્જિનના રિપેર તથા ઓવરહોલિંગનું કામ પણ કરે છે.
આ પણ વાંચો : Central Government Disinvestment : આ કંપનીઓમાં પોતાની ભાગીદારી ઘટાડવાની તૈયારીમાં સરકાર, શેરના ભાવમાં જોવા મળી શકે અસર
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.