આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની HCL Technologiesએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન 2026)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ ત્રિમાસિક દરમિયાન નફો અને આવક બંનેમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. સાથે જ શેરધારકો માટે પ્રતિ શેર 12 રૂપિયાના અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
4,624 કરોડ રૂપિયા થયો નફો
કંપનીના જાહેર કરાયેલા પરિણામો મુજબ, એપ્રિલથી જૂન 2026 દરમિયાન HCL Technologiesનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 20 ટકા વધીને 4,624 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં કંપનીનો નફો 3,843 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં નોંધાયેલો આ વધારો કંપનીના મજબૂત બિઝનેસ પ્રદર્શનને દર્શાવે છે.
ઓપરેશનમાંથી મળતી આવક 13 ટકા વધી
માત્ર નફામાં જ નહીં પરંતુ કંપનીની કુલ આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓપરેશનમાંથી મળતી આવક 13 ટકા વધીને 34,579 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન આ આંકડો 30,349 કરોડ રૂપિયા હતો. કંપનીના બોર્ડે શેરધારકોને લાભ આપવા માટે પ્રતિ શેર 12 રૂપિયાના અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે, જો કોઈ રોકાણકાર પાસે HCL Technologiesના 100 શેર હશે તો તેને કુલ 1,200 રૂપિયાનું ડિવિડન્ડ મળશે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ વધારાની આવક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
17 જુલાઈ છે રેકોર્ડ ડેટ
કંપનીએ ડિવિડન્ડ માટે 17 જુલાઈને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ તારીખ સુધી જેમના નામ કંપનીના રેકોર્ડમાં શેરધારક તરીકે નોંધાયેલા હશે, માત્ર તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા પાત્ર રહેશે. તેથી રોકાણકારોએ રેકોર્ડ ડેટ પહેલાં તેમના ડીમેટ ખાતામાં HCL Technologiesના શેર હોવાની ખાતરી કરવી જરૂરી છે. કંપનીના મજબૂત ત્રિમાસિક પરિણામો અને ડિવિડન્ડની જાહેરાતને કારણે બજારમાં HCL Technologiesના શેર પર રોકાણકારોની નજર રહેશે.
આ પણ વાંચો : Gautam Adani સહિત અનેક દિગ્ગજોની નજર આ કંપની પર, 1500 કરોડમાં થઈ શકે છે ડિલ
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.