આજના ઝડપથી બદલાતા ટેક્નોલોજીના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર કંપનીઓની કામ કરવાની પદ્ધતિ જ નહીં, પરંતુ તેમની રોકાણની પ્રાથમિકતાઓ પણ બદલી રહ્યું છે. આ દિશામાં એક મોટું પગલું ભરતા, દિગ્ગજ IT કંપની HCLTech એ આગામી સમયમાં AI ડેટા સેન્ટર્સમાં આશરે ૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ પહેલા કરી હતી છટણી
એક તરફ કંપની આ આધુનિક ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહી છે, તો બીજી તરફ માનવબળના આંકડામાં ઘટાડો પણ નોંધાયો છે. તાજેતરના અહેવાલો મુજબ, જૂન મહિનાના અંત સુધીમાં HCLTech ના કુલ કર્મચારીઓની સંખ્યા 2,23,889 થઈ છે, જે માર્ચ મહિનાના અંતમાં 2,27,181 હતી. એટલે કે, છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ આશરે 3,300 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીનું માનવું છે કે AI ના આગમન સાથે કમ્પ્યુટિંગના અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, જેણે આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યા છે.
નવા સ્ટાર્ટ અપમાં કર્યુ રોકાણ
HCLTech ના CEO જણાવ્યા અનુસાર, સરકારો અને વિવિધ સાહસોમાં ડેટાની માંગ સતત વધી રહી છે, જેના કારણે સાર્વભૌમ ડેટા સેન્ટર્સ અનિવાર્ય બન્યા છે. કંપની માત્ર ડેટા સેન્ટર્સ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ફુલ-સ્ટેક AI સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં GPUs, AI મોડેલ્સ અને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે HCLTech એ ભારતીય AI સ્ટાર્ટઅપ 'Sarvam AI' માં 150 મિલિયન ડોલર (આશરે 1,438 કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે અને OpenAI સાથે પણ ભાગીદારી કરી છે.
એઆઇમાં રોકાણ કરી ભવિષ્ય બનાવશે ઉજળું
આમ જોવા જઈએ તો, AI ટૂલ્સના વધતા પ્રભાવને કારણે ભારતીય IT ક્ષેત્રમાં એક પ્રકારની અનિશ્ચિતતાનો માહોલ છે. ટીકાકારો દલીલ કરે છે કે AI ટેક્નોલોજી પરંપરાગત IT સેવાઓ માટે ખતરો બની શકે છે. જોકે, HCLTech જેવી કંપનીઓ આને 'અંત' તરીકે નહીં, પરંતુ 'વિકાસના નવા માર્ગ' તરીકે જોઈ રહી છે. કંપનીઓ માને છે કે AI માં રોકાણ કરીને તેઓ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ સક્ષમ બનશે.
આ પણ વાંચોઃ New York માં વિદેશ મંત્રી એસ.જયશંકરે ફૂંક્યું રણશિંગું, UNSC કામચલાઉ સભ્યપદ માટે ઝુંબેશ શરૂ કરી