ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની હાજરી વધુ મજબૂત કરવાના લક્ષ્ય સાથે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતે સત્તાવાર રીતે વર્ષ 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કામચલાઉ સભ્યપદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે. આ અભિયાનનો પ્રારંભ કરવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની મુલાકાત લીધી હતી.
યુએન અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારીની જાહેરાત કરી
ન્યૂયોર્કમાં વિવિધ દેશોના રાજદૂતો, વરિષ્ઠ રાજદ્વારીઓ અને યુએન અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ ભારતની ઉમેદવારીની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મુલાકાત કરી હતી. બંને દિગ્ગજો વચ્ચે પશ્ચિમ એશિયા, યુક્રેન અને રશિયાના વર્તમાન સંઘર્ષ સહિતના અનેક વૈશ્વિક પડકારો અને શાંતિ સ્થાપવાના પ્રયાસો અંગે ગહન ચર્ચા થઈ હતી.
એસ જયશંકરે વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
પોતાના સંબોધનમાં એસ. જયશંકરે વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલનું વિશ્વ ગહન વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે. એક તરફ માનવ કલ્યાણ માટે વિપુલ તકો અને ટેકનોલોજી ઉપલબ્ધ છે, તો બીજી તરફ હિંસા, અસ્થિરતા અને સંઘર્ષોએ વૈશ્વિક શાંતિને જોખમમાં મૂકી દીધી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ જટિલતાઓનો ઉકેલ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રે નેતૃત્વ લેવું અનિવાર્ય છે. ભારતનો અભિગમ હંમેશા "શાંતિ" ના પાયા પર ટકેલો રહ્યો છે, અને તે સુરક્ષા પરિષદમાં સભ્ય તરીકે આવી જ શાંતિ, સમાનતા અને સુરક્ષા માટે યોગદાન આપવા માંગે છે.
https://twitter.com/DrSJaishankar/status/2076757863871991867
બેઠક માટેની ચૂંટણી આગામી વર્ષે યોજાશે
ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપક સુધારાઓની માંગ કરી રહ્યું છે. જેમાં સુરક્ષા પરિષદમાં નવા કાયમી સભ્યોનો સમાવેશ કરવાની માંગ પણ સામેલ છે. ભારતની આ માંગને વિશ્વના અનેક દેશોનું સમર્થન પ્રાપ્ત છે. ૨૦૨૮-૨૯ના કાર્યકાળ માટેની આ અસ્થાયી બેઠક માટેની ચૂંટણી આગામી વર્ષે જૂન મહિનામાં યોજાશે.
ભારતની વધતી જતી ભૂમિકા પ્રતિબદ્ધતાનું પ્રતીક
વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત એક ઉમેદવાર તરીકે આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરવા માંગે છે. ભારતનો અગાઉનો અનુભવ અને વૈશ્વિક મુદ્દાઓ પરનું દ્રષ્ટિકોણ આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેવામાં ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે. ભારતની આ ઉમેદવારી વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી ભૂમિકા અને વિશ્વની શાંતિ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ પણ વાંચોઃ Pakistanમાં 100થી વધુ દવાઓની ભારે અછત, કેન્સર અને હૃદય રોગના દર્દીઓની કફોડી હાલત