પાકિસ્તાનમાં આર્થિક કટોકટી બાદ હવે હેલ્થકેર સિસ્ટમ પણ સંપૂર્ણપણે પડી ભાંગવાની અણી પર છે. પાકિસ્તાન હાલમાં કેન્સર, હૃદય રોગ અને અન્ય ગંભીર બીમારીઓ માટે વપરાતી 100થી વધુ જીવનરક્ષક (Life-saving) દવાઓની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. દેશમાં દવાઓની તીવ્ર અછત વચ્ચે એક બીજો મોટો ખતરો ઊભો થયો છે અને તે છે 'નકલી અને સબસ્ટાન્ડર્ડ દવાઓ' (Counterfeit Medicines) નો વ્યાપાર. અસલી દવાઓ ન મળવાને કારણે મજબૂર દર્દીઓ નકલી દવાઓ ખરીદવા મજબૂર બન્યા છે, જેનાથી તેમના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.

ભાવ વધારાની મંજૂરી ન મળતા ઉત્પાદન ઠપ્પ

પાકિસ્તાન કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (PCDA) ના જણાવ્યા અનુસાર, ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાન (DRAP) એ બે વર્ષ પહેલા જ કાચા માલની વધતી કિંમતો, વીજળી, મોંઘા ઇંધણ અને પાકિસ્તાની રૂપિયાના અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને 105 દવાઓના ભાવ વધારવાની ભલામણ કરી હતી. જોકે, પાકિસ્તાનની સંઘીય કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂર રાખ્યો નથી. આ વિલંબને કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે આ દવાઓ બનાવવી નુકસાનકારક સાબિત થઈ રહી છે, પરિણામે ઉત્પાદકોએ કાં તો ઉત્પાદન ઘટાડી દીધું છે અથવા તો તેને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

મહત્વની દવાઓની સર્જાઈ અછત

હાલમાં પાકિસ્તાનની હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ પરથી કેન્સરના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી ઓરલ મોર્ફિન, હાર્ટ અટેકની સારવારમાં વપરાતા સ્ટ્રેપ્ટોકાઈનેઝ ઈન્જેક્શન, કીમોથેરાપી માટેની સિસપ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી દવાઓ ગાયબ થઈ ગઈ છે. આ સિવાય પીડિયાટ્રિક ડિગોક્સિન અને કમળાની રસી (Yellow Fever Vaccines) ની પણ બજારમાં સખત અછત છે.

નકલી દવાઓનું કાળું બજાર શરૂ

નિયંત્રિત સપ્લાય ચેઈનમાંથી અસલી દવાઓ ગાયબ થતાં જ ગ્રે માર્કેટ (કાળું બજાર) અને ગેરકાયદેસર સપ્લાયર્સ સક્રિય થઈ ગયા છે. નિષ્ણાતોના મતે, જ્યારે બજારમાં અસલી દવાઓ ઉપલબ્ધ ન હોય ત્યારે લાચાર દર્દીઓ અવિશ્વસનીય સ્ત્રોતો તરફ વળે છે. આ તકનો લાભ ઉઠાવી નકલી અને સબસ્ટાન્ડર્ડ દવાઓ બજારમાં ઠાલવવામાં આવી રહી છે. ગંભીર બીમારીઓ સામે લડી રહેલા હજારો દર્દીઓ અજાણતા જ આ ઝેરી અથવા બિનઅસરકારક દવાઓનો શિકાર બની રહ્યા છે. ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો સરકાર તાત્કાલિક ભાવ નિર્ધારણના મુદ્દાને ઉકેલશે નહીં, તો આગામી દિવસોમાં પાકિસ્તાનમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: StraitOfHormuzમાં ઈરાની મિસાઈલ હુમલામાં 1 ભારતીયનું મોત, 8 ઘાયલ, UAEના ઓઈલ ટેન્કરો નિશાન પર