વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગોમાંથી એક એવા Strait of Hormuzમાં લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારે મોડી રાત્રે ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે ઓઈલ ટેન્કરને નિશાન બનાવીને ભયાનક ક્રૂઝ મિસાઈલ હુમલા કર્યા હતા. અહેવાલ મુજબ, આ ઘાતક હુમલામાં એક ભારતીય નાવિકનું મોત નીપજ્યું છે, જ્યારે છ ભારતીયો સહિત ક્રૂ મેમ્બર્સના આઠ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઓમાનના દરિયાઈ વિસ્તારમાં હુમલો

UAEના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ઓમાનના પ્રાદેશિક જળસીમામાં આવેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દક્ષિણી માર્ગ પર તેમના ધ્વજવાળા બે ઓઈલ ટેન્કર 'મોમ્બાસા' (Mombasa) અને 'અલ બહિયાહ' (Al Bahiyah) પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઈરાની ક્રૂઝ મિસાઈલો સીધી 'મોમ્બાસા' ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે જહાજ પર તૈનાત એક ભારતીય નાવિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘાયલોમાં છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે, જેમાંથી ચારની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. મિસાઈલ અથડાતા જ બંને જહાજોમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેને ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી.

UAE દ્વારા કડક શબ્દોમાં નિંદા

UAEના વિદેશ મંત્રાલયે આ હુમલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવ 2817નું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. UAE સરકારે આ દુર્ઘટનામાં ભારતીય નાવિકના મોત પર ભારત સરકાર અને ભારતીય જનતા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે તેઓ આ હુમલાનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર અનામત રાખે છે અને પોતાના સાર્વભૌમત્વ તેમજ રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તેમની સશસ્ત્ર સેના હાઈ એલર્ટ પર છે.

ઈરાનનો દાવો અને અમેરિકા સાથેનો ટકરાવ

બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આ જહાજો ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યા હોવાથી તેમને રોકવા માત્ર ચેતવણીરૂપ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હોર્મુઝ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ હુમલાના થોડા સમય પહેલા જ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા જેથી વ્યાપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ તાજા ઘટનાક્રમ બાદ સમગ્ર અખાતી ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે.

આ પણ વાંચો:Bangladesh Floods અને ભૂસ્ખલનથી ભારે વિનાશ, 54 લોકોના મોત, 10 લાખથી વધુ ફસાયા