HDFC Bank: ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક HDFC બેંકમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ અનૂપ બાગચીને બેંકના નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. બેંકે 1 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઇલિંગમાં આ મોટા ફેરફારની સત્તાવાર માહિતી આપી હતી. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35B હેઠળ તેમના નામને મંજૂરી મળી છે.

27 ઓક્ટોબરથી સંભાળશે જવાબદારી

અનૂપ બાગચી 27 ઓક્ટોબર 2026થી HDFC બેંકની જવાબદારી સંભાળશે. હાલમાં તેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO તરીકે સેવા આપી રહ્યા હતા. HDFC બેંકના હાલના MD અને CEO શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યો છે. જગદીશને પોતાના આગામી કાર્યકાળ માટે ફરીથી નિમણૂકની માંગ કરી ન હતી. આ કારણે બેંક નવા અને અનુભવી નેતાની શોધમાં હતી. શેરધારકોની મંજૂરી મળે ત્યાં સુધી બાગચીને 2 ઓક્ટોબરથી બેંકના એડિશનલ ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટોચના પદ માટે બે નામ ચર્ચામાં હતા

HDFC બેંકના આ મહત્વના પદ માટે બે નામ ચર્ચામાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંકે ટોચના પદ માટે RBI સમક્ષ બે નામ મોકલ્યા હતા. તેમાં પહેલું નામ અનૂપ બાગચીનું હતું, જ્યારે બીજું નામ HDFC બેંકના હાલના ડેપ્યુટી MD કાયઝાદ ભરુચાનું હતું. બંને બેંકિંગ સેક્ટરના જાણીતા નામ છે. અંતે બાગચીના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમના નામને મંજૂરી મળી. હવે તેમની સામે બેંકના વિશાળ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો પડકાર રહેશે.

જાહેરાત પહેલાં HDFC બેંકના શેરમાં તેજી

અનૂપ બાગચીના નામની સત્તાવાર જાહેરાત પહેલાં HDFC બેંકના શેરમાં તેજી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર બેંકનો શેર 1.76 ટકાની તેજી સાથે ₹721.20ના સ્તરે બંધ થયો હતો. નેતૃત્વમાં થયેલા આ ફેરફારને લઈને બજારમાં હલચલ જોવા મળી હતી. હવે નવા મેનેજમેન્ટ સાથે બેંકની આગળની રણનીતિ પર શેરબજારની નજર રહેશે.

બે મોટા પ્રાઇવેટ બેંકોને મળ્યા નવા CEO

1 ઓક્ટોબરનો દિવસ દેશના પ્રાઇવેટ બેંકિંગ સેક્ટર માટે મહત્વનો રહ્યો. HDFC બેંક ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકમાં પણ ટોચના સ્તરે મોટો ફેરફાર થયો છે. કોટક મહિન્દ્રા બેંકે પણ આ જ દિવસે અનૂપ કુમાર સાહાને પોતાના નવા MD અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. આ રીતે એક જ દિવસે દેશની બે મોટી પ્રાઇવેટ બેંકોને નવા MD અને CEO મળ્યા છે.

આ પણ વાંચો: Banking સેક્ટરમાં મોટો ફેરફાર, 6 મોટી બેંકોમાં CEO બદલાવની શક્યતા